આપણું ગુજરાત

અમદાવાદને મળી ‘મેક ઈન ઈન્ડિયા’ની ભેટ: CM ભૂપેન્દ્ર પટેલે પ્રથમ સ્વદેશી મેટ્રો ટ્રેનનું કર્યું લોન્ચિંગ

અમદાવાદ/કોલકાતા: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) અમદાવાદ શહેરને તેની પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત ‘મેક ઈન ઇન્ડિયા’ (Make in India) મેટ્રો ટ્રેનની (metro train) ભેટ શનિવારે આપી હતી. કલકત્તા નજીક ટિટાગઢ રેલ સિસ્ટમ્સના આધુનિક પ્લાન્ટની મુલાકાત લઈને CMએ અમદાવાદ મેટ્રો રેલ માટેના કોચીસનું લોન્ચિંગ કર્યું હતું. “મેક ઇન ઇન્ડિયા” અને આત્મનિર્ભર ભારતને વેગ આપતું આ મહત્વપૂર્ણ કદમ ગુજરાત માટે ગૌરવરૂપ છે એમ તેમણે જણાવ્યું હતું. 

ટિટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા તેના ફેસેલિટી પ્લાન્ટમાં આ ટ્રેન મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સ્વદેશી રીતે બનાવવામાં આવી રહી છે. આધુનિક મેટ્રો અને મુસાફર કોચના ઉત્પાદન માટે સક્ષમ આ પ્લાન્ટ અદ્યતન અને આધુનિક તકનીક તથા સાધનસામગ્રી સાથે સ્થાપિત કરવામાં આવેલો છે.

અમદાવાદને મળી રહેલી આ મેટ્રો ટ્રેન શહેરમાં મેટ્રો રેલ વ્યવસ્થાની વધતી માંગ અને લોકપ્રિયતાને પહોંચી વળવા સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ્સને સુગમ બનાવશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRCL)એ કોલકાતા સ્થિત ટિટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડને 10 ટ્રેનોનો ઓર્ડર આપ્યો છે. આ ટ્રેન ફેઝ-2ના 21 કિ.મી.નું કાર્ય પૂર્ણ થતાં અને બાકીનો ભાગ ટૂંક સમયમાં કાર્યરત થવાથી ઊભી થનારી વધારાની ટ્રેનોની જરૂરિયાતને પહોંચી વળશે. 

અમદાવાદ મેટ્રો અત્યારે દરરોજ 1.6 લાખથી વધુ મુસાફરોને સેવા આપે છે અને તેમાં વાર્ષિક 30–40%ની વૃદ્ધિ થઈ રહી છે. આવનારા દિવસોમાં મેટ્રો રેલ સેવાનો આ દાયરો વધારીને સુરતમાં પણ મેટ્રો કાર્યરત થવાની છે. ઉચ્ચ ગુણવત્તાના સ્ટેનલેસ સ્ટીલથી બનેલી આ મેક ઈન ઇન્ડિયા ટ્રેનોમાં રંગો અને ડિઝાઇનનો જે વિશેષ સ્પર્શ આપવામાં આવ્યો છે તે અમદાવાદની સંસ્કૃતિ અને પરંપરાને પ્રતિબિંબિત કરે છે. 

અમદાવાદ મેટ્રો રેલ માટેની પ્રથમ મેક ઈન ઇન્ડિયા મેટ્રો ટ્રેન અંતિમ પરીક્ષણો પછી તથા સંબંધિત સત્તાધિકારીઓ પાસેથી પ્રમાણપત્ર મળ્યા બાદ થોડા જ દિવસોમાં અમદાવાદ પહોંચાડવામાં આવશે. ત્યારબાદ મુસાફરોની સેવામાં મૂકવામાં આવશે.  એટલું જ નહિ, અમદાવાદ માટે બાકી રહેલી 9 ટ્રેનો પણ ટિટાગઢ દ્વારા આગામી 5–6 મહિનામાં તબક્કાવાર પૂરી પાડવામાં આવશે. વૈશ્વિક સ્તરે લાગુ પડતા તાજેતરના આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સુસસંગત આ મેક ઈન ઇન્ડિયા ટ્રેન ગુજરાત માટે ગૌરવરૂપ બનશે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button