ગુજરાતમાં ભરશિયાળે સંકટનાં વાદળ: અનેક વિસ્તારમાં માવઠું
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ગત અઠવાડિયે વિનાશ વેરનારાં કમોસમી વરસાદે શનિવારે અને રવિવારે ફરી એક વાર ધમરોળ્યું હતું. ભરૂચ, પંચમહાલ, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ થતાં ફરી એક વાર ખેતીવાડીને ભારે નુકસાન થયું હોવાની ભીતિ છે. ભરૂચમાં શનિવારે રાતથી રવિવારની સવાર સુધીમાં કમોસમી વરસાદના જોરદાર ઝાપટાં વરસતાં શહેરના કેટલાક વિસ્તારોમાં ભર શિયાળે ચોમાસાની જેમ વરસાદી પાણી ભરાઇ ગયાં હતા. રવિવારે સવારે અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં પણ ઝાપટાં વરસ્યાં હતા, જ્યારે અમદાવ શહેરમાં સવારે છાંટા પડ્યાં હતા.
ભારતીય હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સોમવાર સવાર સુધી હળવા વરસાદની આગાહી કરી છે. બીજી બાજુ શનિવારથી જ આકાશમાં આપત્તિના વાદળો ઉમટ્યાં હતાં. રવિવારે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું વરસવાનું શરૂ થયું હતું. ભરૂચ જિલ્લાના જંબુસર પંથક સહિત ગ્રામ્ય વિસ્તારમાં માવઠું વરસતાં પાણી ભરાયાં હતા તેમજ ભરૂચ શહેરમાં કતોપોર સહિતના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતા.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા અનુસાર રવિવારે સવારે ૬ વાગ્યે પૂરા થતા છેલ્લા ૨૪ કલાકના સમયગાળામાં ભરૂચ તાલુકામાં ૨૦ મિમિ, મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં – ૧૨ મિમિ, તલોદ તાલુકા (સાબરકાંઠા) – ૧૦ મિમિ, ઉમરેઠ તાલુકા (આણંદ) – ૧૦ મિમિ, અંકલેશ્ર્વરમાં ૧૦ મિમિ, વરસાદ નોંધાયો હતો. તાલુકો (ભરૂચ)- ૯ મિમિ વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ આગામી ૨૪ કલાકમાં અરવલ્લી, અમદાવાદ, મહિસાગર, ડાંગ, નવસારી, વલસાડ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. રાજ્યમાં સોમવારથી શુષ્ક હવામાન પ્રવર્તે તેવી શક્યતા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગત અઠવાડિયે રાજ્યમાં વ્યાપક વરસાદને કારણે વિવિધ સ્થળોએ કૃષિ પાકનો સોથ વળી ગયા હતો અને વીજળી પડવાને કારણે ૨૭ લોકો મૃત્યુ પામ્યાં હતાં, રાજ્ય સરકારે ખેડૂતોને તેમના નુકસાન માટે વળતર આપવા માટે પાકના નુકસાનનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે.
દરમિયાન રવિવારથી આખા અઠવાડિયા સુધી લગ્ન સહિતના અનેક શુભ પ્રસંગો છે. જેમાં લગ્ન કરવા જતા લોકોની ચિંતામાં વધારો થયો છે. વરસાદના કારણે મંડપ પણ પલળી જતા ખુશીના પ્રસંગમાં લોકોની ચિંતા વધી છે.