મહાનગરોમાં મહિનાનો વરસાદ એક દિવસમાં પડવાનું પ્રમાણ વધ્યું!
ચોમાસાના ચાર મહિનાના કુલ વરસાદના ચોથા ભાગનું પાણી જૂનમાં વરસે છે, કારણ શું?

ગાંધીનગર/વડોદરાઃ વધતા જતા શહેરીકરણ અને સમજણ વિનાના ટાઉન પ્લાનિંગને કારણે દિવસે દિવસે પ્રકૃતિનું ખેદાનમેદાન વળી રહ્યું છે. કુદરતના અવિવેકી દોહન અને આંધળુકિયા શહેરીકરણને પરિણામે ક્લાયમેટ ચેન્જનું નિર્માણ કર્યું છે. ક્લાયમેટ ચેન્જથી સમગ્ર જીવસૃષ્ટિ ઉપર વિપરિત અસર પડી છે. ઉનાળામાં આકરી ગરમી, ચોમાસામાં મુશળધાર વરસાદ અને શિયાળામાં ઠંડીનો મિજાજ સમગ્રતયા બદલાઇ ગયા હોવાનો અહેસાસ સામાન્ય માનવી કરી રહ્યો છે. મોસમની પેટર્ન, એમાંય ખાસ કરીને ચોમાસાની ચાલમાં પરિવર્તન થઈ રહ્યું હોવાની વાત મહારાજ સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ઓફ બરોડાની ઇન્સ્ટિ્ટ્યૂટ ઓફ ક્લાઇમેટ ચેન્જ એન્ડ રિસર્ચ સેન્ટરમાં થઇ રહેલા સંશોધનમાં પણ ફલિત થવા પામી હતી.
ગુજરાતમાં વિશેષતઃ વડોદરામાં ચોમાસાની ચાલને સમજવા માટે તેનું માળખું કેવી રીતે થાય છે એ જાણવું જોઇએ. આપણા પ્રદેશમાં મુખ્યત્વે બંગાળના ઉપમહાસાગર અને અરબી સમુદ્રમાં ઉદ્દભતા લોપ્રેશન સિસ્ટમથી આવે છે. આ બન્ને સમુદ્રમાં પ્રતિ વર્ષ પાંચથી છ વખત આવી સિસ્ટમ ઉભી થાય છે. જેમાં હવાનું દબાણ એક હજાર મિલિબાર્સ કે તેની આસપાસ હોય છે. આ નૈઋત્યનું ચોમાસું વાયા કેરળ, મહારાષ્ટ્ર થઇ ગુજરાતમાં પ્રવેશે છે અને વરસાદ આવે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી
ગુજરાતના ચોમાસ ઉપર પ્રશાંત મહાસાગરના ઉષ્ણતામાન પણ અસર કરે છે. જેને લા નિના, અલ નિના તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત, ઇન્ડિયન ઓશન ડાયપોલ (આઇઓડી)ની અસર પણ સક્રીય ભૂમિકા અદા કરે છે. આઇઓડી એટલે અરબી સમુદ્ર અને બંગાળના ઉપમહાસાગરમાં ઉષ્ણતામાનનો તફાવત! સમુદ્રનું તાપમાન ૨૮ ડિગ્રી સેલ્સિયસની ઉપર જાય ત્યારે સમુદ્રની સક્રિયતામાં વધારો થાય છે ત્યાર પછી લો-પ્રેશર થઇ શકે છે.
જાણીતા વેધર એનાલિસ્ટ મુકેશ પાઠક કહે છે આ ઉપરાંત મેડન જુલિયન ઓસિલેશન એટલે કે વાદળોનો એક મોટો સમૂહ પૃથ્વીના ચક્કર મારતો રહે છે. ચોમાસાની ઋતુ દરમિયાન આ મેડન જુલિયન ઓસિલેશન સામાન્ય રીતે બે કે ત્રણ વખત ભારત ઉપરથી પસાર થાય છે અને તે પણ વરસાદ આપે છે.
ચક્રવાતની વાત સમજીએ તો લોપ્રેશરમાં જેમ જેમ હવાનું દબાણ વધતું જાય એમ એમ તેનું સ્વરૂપ બદલાતું જાય છે. લોપ્રેશરમાંથી વેલ માર્ક્ડ લો પ્રેશર, ડિપ્રેશન, ડિપડીપ્રેશન અને બાદમાં ચક્રવાત, સ્ટ્રોમમાં પરિવર્તિત થાય છે. ભારતમાં ૧૫ ફેબ્રુઆરીથી ૧૫ જૂન સુધી અને ઓક્ટોબર ચોમાસામાં નવેમ્બર અને ડિસેમ્બરમાં ચક્રવાતની સંભાવના વધુ હોય છે. આ માટે તેમાં રહેલા હવાના દબાણના મિલિબાર્સ આંકના આધારે આકલન કરવામાં આવે છે. અરબ સાગર કે બંગાળના ઉપમહાસાગરમાં આવા ચાર પાંચ ચક્રવાતો ઉદ્દભવે છે, જે ગુજરાતને અસર કરે છે. એક દાયકા પૂર્વે આ ચક્રવાતો તમિલનાડુ, આંધ્ર પ્રદેશ થઇ ગુજરાત તરફ ફંટાતા હતા. પણ હવે ક્લાયમેટ ચેન્જના કારણે આ ચક્રવાતો મધ્ય પ્રદેશ થઇને આવે છે.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર પછી ઉત્તર ગુજરાત જળબંબાકારઃ ઈડરમાં સૌથી વધુ વરસાદ
ગુજરાતમાં સામાન્ય રીતે દક્ષિણ પ્રાંતમાં વધારે વરસાદ નોંધાતો હતો. પણ હવે તો કચ્છમાં પણ અચાનક વરસાદ પુષ્કળ વરસાદ પડે છે. પહેલા સ્થિતિ એવી હતી કે, ભૂજનું હમીરસર તળાવ ભાગ્યે જ ભરાતું હતું અને ભરાઇ જાય (ઓગનાયું) એટલે કચ્છમાં (રજા) પાળવામાં આવતી હતી. હવે તો આ તળાવ પણ એકઆંતરા ચોમાસામાં ભરાતું હોય છે. એક ચોમાસામાં પુષ્કળ વરસાદના કારણે જ્યાં પૂરની સ્થિતિ હોય એ જિલ્લામાં બીજા વર્ષે પાણી અછત રહે એટલો જ વરસાદ નોંધાય છે.
ઉક્ત બાબતો ક્લાયમેટ ચેન્જની અસર સૂચિત કરે છે. ક્લાયમેટ એટલે લઘુત્તમ ૩૦ વર્ષના હવામાનના તારણો. મહારાજ સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ઓફ બરોડાના ઇન્સ્ટિ્ટ્યુટ ઓફ ક્લાઇમેટ ચેન્જ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ડો. સંસ્કૃતિ મુજુમદારના માર્ગદર્શન હેઠળ પ્રો. ચિરાયુ પંડિતે ક્લાયમેટ ચેન્જ વિષયે રસપ્રદ સંશોધન કર્યું છે. કેન્દ્ર સરકારના મૌસમ વિભાગ સહિતની એજન્સી પાસેથી આંકડાઓ લઇ તેમણે કરેલા સંશોધનમાં પરિણામો ધ્યાને લેવા ઘટે!
વડોદરામાં જળવાયુ પરિવર્તનને કારણે આખા ચોમાસાના ચોથા ભાગનો વરસાદ હવે એક માત્ર જૂન માસમાં પડી જાય છે. એમાંય એક માસના સરેરાશ જેટલો તો એક જ દિવસમાં વરસાદ પડે છે. આવું થાય ત્યારે પૂરની સ્થિતિ આવે છે. વર્ષ ૨૦૦૫માં જૂન માસના સરેરાશ ૧૩૫ મિલિમિટર વરસાદની સામે તા. ૨૯-૦૬-૨૫ના રોજ એક જ દિવસમાં ૨૩૮ મિલિમીટર વરસાદ વરસી ગયો હતો.
આ પણ વાંચો: સુરતમાં ખાડી પૂર નિવારવા ધારાસભ્ય કુમાર કાનાણીનો CMને પત્ર: સર્વેની માંગ
૨૦૧૯માં જુલાઇ માસના સરેરાશ ૩૨૭ મિલિમિટરની સાપેક્ષે ૩૧-૭-૧૯ના રોજ એક જ દિવસમાં ૩૫૧ મિલિમિટર વરસાદ પડ્યો હતો. એ જ રીતે ૧૯૭૮ના ઓગસ્ટમાં ૨૭૯ મહિનાની સરેરાશ સામે તા. ૧૭-૮-૭૮ના રોજ એક જ દિવસે ૨૨૪ મિલિમિટર વરસાદ નોંધાયો હતો. ૧૯૯૪ના સપ્ટેમ્બરની ૧૪૪ મિલિમિટર સરેરાશ સામે તા. ૧૧-૯-૯૪ના રોજ ૨૫૬ મિલિમિટર વરસાદ નોંધાયો હતો. વડોદરામાં ચોમાસામાં સરેરાશ ૩૭ દિવસ વરસાદ પડે છે.
શહેરીકરણ, ઔદ્યોગિકીકરણ સહિતના પરિબળો ક્લાયમેટ ચેન્જમાં મહત્વના પૂરવાર થાય છે. શહેરોમાં ઉંચી ઉમારતોના કારણે પવનની દિશા અને ગતિમાં ફેરફાર થાય છે. જેના કારણે શહેરના એક જ વિસ્તારમાં વરસાદ હોય તો બીજા ભાગ સાવ કોરો હોય છે.
જમીનના સરફેસના આધારે વાતાવરણ વચ્ચેના ઇન્ટરેક્શનથી રચાતું બાઉન્ડ્રી લેયર, જે તે સ્થળનું તાપમાન અને મિટિરોલોજીકલ માપદંડ નક્કી કરે છે. સામાન્ય સંજોગોમાં દિવસે તાપમાન વધવાના કારણે લેયર જમીનથી ગરમી દોઢથી બે કિલોમીટર ઉપર જતી હોય છે અને રાતે ૧૦૦ મીટર સુધી જતી હોય છે.
આ પણ વાંચો: છેલ્લા 24 કલાકમાં ખેડબ્રહ્મામાં 5 ઈંચ વરસાદ ખાબકયો; ખેડવા ડેમ ઓવરફ્લો, ખેતરો બેટમાં ફેરવાયા
વધતા તાપમાનને અર્બન હિટ આયલેન્ડ છે
જોકે, ક્લાયમેટ ચેન્જના કારણે શહેરી વિસ્તારની જમીનની ગરમી આકાશ તરફ જવાના અંતરમાં દિવસ અને રાતમાં કોઇ તફાવત રહ્યો નથી. ગામડાઓમાં આ અંતર હજુ વધુ છે. શહેરીકરણના કારણે વધતા જતા તાપમાનને અર્બન હિટ આયલેન્ડ કહે છે. આ અર્બન હિટ આયલેન્ડ શહેરમાં ભારે વરસાદનું કારણ બને છે અને પૂરની સ્થિતિનું નિર્માણ કરે છે.
વડોદરાની વાત કરીએ તો ૧૯૭૮માં વડોદરા શહેરના કુલ ક્ષેત્રફળ ૧૫૦ ચોરસ કિલોમિટર પૈકી ૮ ટકા વિસ્તાર એટલે કે ૧૪.૦૮ ટકા વિસ્તારમાં બાંધકામ હતું. તે વધીને ૨૦૧૮માં ૯૭ ચોરસ કિલોમીટર, ૬૮ ટકા થઇ ગયું હોવાનું પ્રો. પંડિતના સંશોધનમાં સામે આવ્યું હતું.