સીએમ સહિત સૌ કોઈ જોડાયા સ્વચ્છતા હી સેવા અભિયાનમાં
વડાપ્રધાને એક તારીખ એક સમયે અને એક કલાક શ્રમદાન સેવાયજ્ઞ યોજી સફાઈ કરવા કરેલી હાકલ અનુસાર સૌરાષ્ટ્રમાં આજે સવારે દસ કલાકે સામૂહિક સફાઈના ઠેરઠેર કાર્યક્રમો યોજાયા હતા. આ સમૂહ શ્રમદાન સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી અને ઝીરો વેસ્ટને પ્રોત્સાહન મળે એ માટે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. એકત્ર થયેલા કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ પોરબંદરમાં આજે સવારે સ્વચ્છતા હી સેવા અંતર્ગત પોરબંદર શહેર અને ત્રણે ય તાલુકામાં સેવાદાન કાર્યક્રમ યોજાયો હતો. આરોગ્ય કેન્દ્ર, આંગણવાડીઓ, શાળાઓ અને ગૌશાળાઓ તથા સાર્વજનિક સ્થળોએ સામૂહિક સેવા યજ્ઞ યોજાયો હતો. દેવભૂમિ જિલ્લામાં પ્રવાસન સ્થળો, સરકારી કચેરીના પ્રાંગણમાં, જામનગર જિલ્લામાં દરેક ગામમાં સામુહિક સફાઈના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બીચ ખાતે એક કલાક સુધી મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પહેલા કલેકટરના અદ્યક્ષસ્થાને એક બેઠક પણ મળી હતી. રાજકોટમાં શહેરના તમામ વોર્ડમાં સફાઈ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. બાલાચડીમાં બીચ પર એડવાન્સમાં સમુહ સફાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પ્લાસ્ટિક કચરો એકત્ર કરીને 2 થી 3 ટન કચરાનો વૈજ્ઞાનિક ધોરણે નિકાલ કરવામાં આવ્યો હતો.