આપણું ગુજરાત

વડોદરા જિલ્લાનાં ૩૧ ગામમાં પૂર બાદ સફાઇ કાર્યનો પ્રારંભ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડોદરા જિલ્લામાં નર્મદા અને મહીસાગર નદીના પૂરના પાણી ઓસર્યા બાદ સિંધરોટ સહિત જિલ્લાનાં ૩૧ ગામોમાં ૩૮ ટીમો દ્વારા સફાઈની કામગીરી હાથ ધરાઈ છે. જ્યારે ખેડૂતોના પાક-જમીન ધોવાણની નુકસાનીના સરવે માટે ૧૦૨ ટીમો કામે લાગી છે.

વડોદરા જિલ્લામાં નર્મદા અને મહીસાગર નદીના પૂરને કારણે ડભોઈ તાલુકાના ૪, શિનોરના ૪, કરજણના ૩, ડેસરના ૩, વડોદરા ગ્રામ્યના ૫, સાવલીના ૧ અને પાદરા તાલુકાનાં ૧૧ સહિત ૩૧ ગામો અસરગ્રસ્ત થયાં હતાં. પૂરના પાણી ઓસરતા આ તમામ ગામોમાં યુદ્ધના ધોરણે સફાઈ સહિત રોગચાળા અટકાયત માટે કામગીરી કરવામાં આવી રહી છે. તમામ ગામોમાં વીજ પુરવઠો પણ પૂર્વવત કરી દેવામાં આવ્યો હોવાનું કલેકટરે જણાવ્યું છે.

કલેકટર દ્વારા અસરગ્રસ્ત ગામોમાં વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરવામાં આવી હતી. કલેકટરે જણાવ્યું કે, આશ્રય સ્થાનોમાં આશરો લઈ રહેલા લોકો પોતાના ઘરે પરત ફર્યા છે. નુકસાનીના સરવે માટે જિલ્લા વહીવટીની ૩૯ ટીમો કામગીરી કરી રહી છે. આ ઉપરાંત જે ગામોમાં પૂરના પાણીને કારણે ખેડૂતોના પાક અને જમીન ધોવાણ અંગે થયેલા નુકસાનીના સર્વે માટે ૧૦૨ ટીમો કામગીરી કરી રહી છે. જિલ્લામાં ૩૭૯૭ પશુઓને દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત ગામોમાં સરવે માટે ૪૩ ટીમો કાર્યરત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ૨૦ ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ થવા આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button