વડોદરામાં મનપાની ચૂંટાયેલી પાંખ અને ભાજપ વચ્ચે કલહ: પાટીલનું પદાધિકારીઓને સુરતનું તેડું | મુંબઈ સમાચાર

વડોદરામાં મનપાની ચૂંટાયેલી પાંખ અને ભાજપ વચ્ચે કલહ: પાટીલનું પદાધિકારીઓને સુરતનું તેડું

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડોદરા શહેર ભાજપમાં કકળાટ એટલો વધી ગયો છે કે ખુદ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે દરમિયાનગીરી કરવી પડી છે. વડોદરામાં ભાજપમાં વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. મનપાના સત્તાધીશો વચ્ચેની ખેંચતાણને લઈને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ અકળાયા અને મનપાના તમામ નેતાઓને સુરતનું તેડું મોકલ્યું હતું. નેતાઓ સાથે બેઠક કર્યા બાદ માહોલ એવો સર્જાયો કે જાણે શહેર ભાજપમાં કોઈ વિવાદ છે જ નહીં.વડોદરા શહેર ભાજપ સંગઠન તેમજ મનપા સત્તાધીશો વચ્ચે વિવાદ વકર્યો છે. મનપાના સત્તાધીશો અને શહેરના નેતાઓ વચ્ચે ઘમાસાણ સર્જાયું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ બધા વચ્ચે નેતાઓનો વિવાદ વકરતાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની દરમિયાનગીરી કરવાની જરૂર પડી હતી. વડોદરા પાલિકાનાં હોદ્દેદારો અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને સુરત બોલાવવામાં આવ્યા હતા. તેમજ વડોદરાના સાંસદ, ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ અને ત્રણ મહામંત્રીને પણ સુરત બોલાવવામાં આવ્યા હતા. પાલિકામાં ચાલતા વિવાદનો અંત લાવવા સી.આર.પાટીલે મીટિંગનું આયોજન કર્યું હતું. આ બાબતે મનપાના સત્તાધીશો તેમજ ભાજપ સંગઠનનાં પદાધિકારીઓએ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતુ, તેમજ માત્ર મીટિંગ હોવાનો મેસેજ આવ્યો હોવાનું જણાવી રહ્યા હતા. આ મીટિંગમાં મનપાના મેયર પિંકીબેન સોની, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત મનપાના હોદ્દેદારો તેમજ ધારાસભ્ય મનીષા વકીલ સહિત સાંસદ તેમજ અન્ય ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેર ભાજપ સંગઠન અને મનપાના સત્તાધીશો વચ્ચે તાલમેલ જોવા મળતો નથી અને તેથી જ અવાર નવાર વિવાદો સર્જાયા કરે છે. ૨૦૨૪ની ચૂંટણી પહેલાં કોઈ નવો વિવાદ પક્ષમાં ના શરૂ થાય એ માટે ખુદ સી.આર. પાટીલે મોર્ચો સંભાળ્યો છે. સી.આર. પાટીલે બંધબારણે વડોદરા શહેર ભાજપના નેતાઓ સાથે બેઠક કરીને સમજાવી દીધું છે કે, પક્ષમાં કોઈપણ પ્રકારની ગેરશિસ્ત ચલાવી લેવામાં આવશે નહીં. ત્યારે હવે જોવું એ રહ્યું કે, નેતાઓને સી.આર. પાટીલની શીખામણની કેટલી અસર થઈ છે.

Back to top button