આપણું ગુજરાત

ભરૂચ પૂર બાબતે પ્રશાસને આપી આવી સ્પષ્ટતા

જાણો શું કહ્યું?

ગાંધીનગર: નર્મદા ડેમમાંથી પાણી છોડવા બાબતે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર પર નિશાન સાધવામાં આવ્યું હતુ અને કરવામાં આવેલા દાવા બાબતે આજે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમાં પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ કોઈ માનવસર્જિત આફત નહોતી. ઉપરવાસમાંથી પાણી છોડવામાં અવતા અને ધોધમાર વરસાદ પડતા સરદાર સરોવર ડેમમાં નર્મદાના પાણીનો ભરાવો થઈ ગયો હતો. ત્યાર બાદ ઇન્દિરા સાગર પ્રોજેક્ટ અને સરદાર સરોવર ડેમ વચ્ચે આભ ફાટતા અચાનક જ પૂરની સ્થિતિ સર્જાઇ હતી.

સરદાર સરોવર નર્મદા નિગમે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, સરદાર સરોવર ડેમના કેચમેન્ટ એરિયામાં 15મી સપ્ટેમ્બરના રોજ મધ્યમ વરસાદ, 16મી અને 17મી સપ્ટેમ્બરના મુશળધાર વરસાદ વરસ્યો હતો. આ જ સમયે ઉપરવાસમાં આવેલો મુખ્ય ડેમ ઇન્દિરા સાગર પ્રોજેક્ટ પૂરેપૂરો ભરાઇ ગયો હતો અને તેણે તમામ પાણી ડાઉનસ્ટ્રીમ એટલે કે, સરદાર સરોવર ડેમ તરફ છોડવાનું શરુ કર્યુ હતુ. તદુપરાંત આઇએસપી અને એસએસપી વચ્ચે આભ ફાટતા સરદાર સરોવરમાં અચાનક જ પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી.


આ સાથે તેમણે જણાવ્યુ કે, 16મી સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 10 વાગ્યાની આસપાસમાં ડાઉનસ્ટ્રીમમાં પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને બપોરે બાર વાગ્યે એક લાખ ક્યુસેક અને સાંજે પાંચ વાગ્યે 8 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. બીજા દિવસે એટલે કે 17મી સપ્ટેમ્બરના સવારે 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું અને ડેમમાં 21.74 લાખ ક્યુસેક પાણી આવ્યુ હતુ તેની સામે 18.62 લાખ ક્યુસેક પાણી છોડ્યુ છે.


પ્રશાસન દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતામાં આગળ એવું જણાવવામાં આવ્યું છે કે, 13મી અને 14મી સપ્ટેમ્બરના રોજ કોઇ નોંધપાત્ર વરસાદ કે ઇન્દિરા સાગર તરફથી કોઇ નોંધપાત્ર આઉટફ્લો જોવા મળ્યો નહોતો. તેમ જ સીડબ્લ્યૂસી દ્વારા કોઇ આગાહી ન હતી. આમ સરદાર સરોવર બંધ ઓથોરિટીઝ દ્વારા 16મીથી 18મી સુધી અણધાર્યા પૂરની પરિસ્થિત દરમિયાન પદ્ધતિસરની કામગીરી કરવામાં આવી છે. જેથી નિચાણવાળા વિસ્તારોમાંથી થનારા નુકશાનને શક્ય એટલું ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.


અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા એવો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે, પ્રશાસને નર્મદા ડેમમાંથી 18 લાખ ક્યૂસેક પાણી છોડીને એક માનવ સર્જિત આપત્તિ ઊભી કરી છે. એટલું જ નહીં પણ તેમણે આ માનવ સર્જિત આફતને નોતરનારા લોકો સામે કાયદાકીય પગલાં લેવાની માગણી પણ કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button