અમદાવાદની સિટી બસ હવે મનપાની લિમિટના ૨૦ કિ.મી. સુધી દોડશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં એએમટીએસનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું, જે ડ્રાફ્ટ બજેટ કરતાં ૩૨ કરોડના વધારા સાથે મંજૂર કરવામાં આવ્યું છે. જેના સાથે જ એએમટીએસનું વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂપિયા ૬૭૩.૫૦ કરોડ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. જોકે, ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટ બજેટ રૂપિયા ૬૪૧.૫૦ કરોડનું હતું.
અમદાવાદ મનપાના નવા મંજૂર થયેલા બજેટમાં લોકોની સુખાકારીની સાથે સલામતીનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ હેઠળ શહેરમાં રીગ રોડ સહિત ઔડા વિસ્તારમાં નવા બસ રૂટો શરૂ કરાશે. તેમજ શહેરમાં નવી ૫૯ ઇ બસો ગ્રોસ કોસ્ટ કિ.મી. થી મેળવીને સંખ્યા કુલ ૧૧૧૧ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એએમટીએસની બસોનું ઓનલાઇન ટ્રેકિંગ તથા લાઇવ સ્ટેટસ મળી રહે તે રીતે આયોજન કરવાનું ઠરાવવામાં આવશે. આગામી સમયમાં એએમટીએસ શહેરમાં વધુ ડબલ ડેકર બસ દોડવવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હાલમાં મનપા લિમિટથી ૧૫ કિ.મી. સુધી બસ સેવા છે તેમાં વધારો કરી હવે લિમિટ ૨૦ કિ.મી. કરવામાં આવી રહી છે. જેની સાથે જ એએમટીએસ ડેપો – ટર્મિનસોમાં સ્માર્ટ કાર્ડ હોલ્ડરોને વાઇફાઇની સુવિધા અપાશે. જોકે, નવિનીકરણની વાત કરવામાં આવે તો શહેરમાં લાલ દરવાજા બાદ હવે સાંરગપુર ટર્મિનસને હેરિટેજ લૂક અપવામાં આવશે, જેની સાથે જ મેટ્રો રેલના રૂટ ઉપર એએમટીએસ બસોથી પ્રવાસીઓને કનેક્ટિવિટી માટે સરક્યુલર રૂટ આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં નવા રૂટોના પ્લાનિંગ માટે એજન્સી મૂકવામાં આવશે.