આપણું ગુજરાત

સુરતમાં સિટી-બીઆરટીએસની સ્પીડને બ્રેક: ૧લી માર્ચથી સ્પીડ લિમિટ ૪૦ની કરાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરત મનપા દ્વારા અકસ્માતોને રોકવા માટે કેટલાક નિયમો ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ખાસ કરીને બીઆરટીએસ અને સિટી ડ્રાઈવર બેફામ રીતે બસ હંકારવાની ફરિયાદના પગલે સિટી બસ અને બીઆરટીએસ બસની સ્પીડ લિમિટ ૪૦ની કરી દીધી છે. આ ઉપરાંત બસમાં ડેશ કેમેરા લગાવવામાં આવશે. જેનાથી કોની ભૂલ છે એ પણ રેકોર્ડ થઈ જશે.

મનપાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે, શહેરમાં બીઆરટીએસ બસ અને સિટી બસ દ્વારા અકસ્માત ન થાય તેના માટે અમે કેટલાક નિર્ણયો લેવા માટેની તૈયારી કરી લીધી છે. મેં પોતે અલગ અલગ સ્થળની વિઝિટ કરી છે. ડ્રાઈવર સીટ ઉપર પણ બેસીને જે બ્લેક સ્પોટ જેવી ખામીઓ છે તેની પણ અમે તપાસ સ્વયં કરી લીધી છે. આ બાબતની સૂચના જે-તે કોન્ટ્રાક્ટરોને બસમાં વધારાના મિરર, ડેશ કેમેરા વગેરે ફરજિયાત લગાડવા માટેની સૂચના આપી દીધી છે. આગામી દિવસોમાં ડ્રાઈવરોને તાલીમ માટેની પણ વ્યવસ્થા કરવાના છીએ. શહેરમાં એક પણ અકસ્માત ન થાય તેના માટે પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. શહેરના મોટાભાગના રોડ પર પીક-અવર્સ દરમિયાન ભરચક ટ્રાફિક હોય છે. તમામ લોકો ઉતાવળમાં ડ્રાઈવિંગ કરે છે. જેને લીધે એક્સિડન્ટ ન થાય તે માટે બીઆરટીએસના ડ્રાઇવરોને બસની ગતિ સામાન્ય રાખવા માટે તેમજ ચાર રસ્તા પર ધીમી ચલાવવા માટેની સૂચના વારંવાર આપવામાં આવે છે. પરંતુ તેમ છતાંય કેટલીક વાર બસ ડ્રાઈવર દ્વારા અનેકવાર ઓવરસ્પીડમાં બેફામ રીતે બસ દોડાવવામાં આવે છે. જેથી અકસ્માતની શક્યતા વધી જાય છે. છેલ્લાં ચાર વર્ષમાં ઓવરસ્પીડની ૪૫થી વધુ ફરિયાદ પાલિકાના ચોપડે નોંધાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં સિટી બસ અને બીઆરટીએસ બસે ૨૦૨૦માં બે અકસ્માત કર્યા હતા અને તેમાં બેનાં મોત થયાં હતાં. ૨૦૨૧માં સાત અકસ્માત કર્યા હતા તેમાંથી પાંચનાં મોત થયાં હતાં અને બેને ગંભીર ઈજા થઈ હતી. ૨૦૨૨માં ૨૧ અકસ્માત કર્યા હતા તેમાંથી આઠનાં મોત થયાં હતાં. ૧૩ને ગંભીર ઈજા થઈ હતી. ૨૦૨૩માં સૌથી વધુ ૨૪ અકસ્માતમાં ત્રણનાં મોત અને ૨૧ને ઇજા પહોંચાડી છે. જ્યારે ૨૦૨૪માં બે અકસ્માતમાં એકનું મોત થયું છે. છેલ્લાં આઠ વર્ષની વાત કરવામાં આવે તો સિટી અને બીઆરટીએસ બસે ૯૦ જણાનો ભોગ લીધો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button