આપણું ગુજરાત

ભુજ જમીન કૌભાંડમાં સીઆઇડી ક્રાઈમે વધુ પાંચની ધરપકડ કરી: પ્રદીપ શર્માની ડિસ્ચાર્જ અરજી રદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: ચર્ચાસ્પદ જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા અને હાઈપ્રોફાઈલ બિલ્ડર સંજય શાહની ધરપકડ બાદ સીઆઈડી ક્રાઈમે વધુ ચાર અધિકારી અને સંજય શાહના ભાગીદાર કમ હોટેલિયર સહિત પાંચ શખસોની ધરપકડ કરી લેતાં ભારે ચકચાર મચી જવા પામી છે.

સીઆઈડી ક્રાઈમે આ ગુનામાં ભુજના તત્કાલીન મામલતદાર આર.જે. વલવીની ધરપકડ કરી છે, ઉપરાંત સરકારી જમીન મંજૂર કરાવવાની અને પ્લોટીંગની પ્રક્રિયામાં સહભાગી રહેલાં બિલ્ડર સંજય શાહના ભાગીદાર અને ભુજની જાણીતી મંગલમ હોટેલના સંચાલક પ્રકાશ વજીરાણીની પણ ધરપકડ કરી છે. સરકારી ખરાબાની ૧.૩૮ એકર જમીન લાગુની જમીન તરીકે મંજૂર કરાઈ અને ત્યારબાદ તેને બિનખેતી કરવામાં આવી તે સમયગાળા દરમિયાન નિવાસી અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવનારાં બે અધિકારી પૈકી ફ્રાન્સીસ સુવેરાનો બુધવારે પાલારા જેલમાંથી કબજો મેળવીને આ ગુનામાં ધરપકડ કરી આજના એક દિવસ પૂરતાં રિમાન્ડ મેળવાયાં છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ કચ્છના ગાંધીધામના ચુડવાની જમીનના કેસમાં શર્મા સાથે સુવેરાની પણ આરોપી તરીકે ધરપકડ થઇ હતી અને ત્યારથી તે પાલારામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. સુવેરા અગાઉ ફરજ બજાવનારાં આર.ડી.સી અજીતસિંહ ઝાલાએ પણ ભુજ જમીન કૌભાંડમાં પોતાની ધરપકડ થશે તેવા હાઉથી ભુજ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. આજે તેમની અરજી અંગે સુનાવણી ચાલી હતી અને આગામી સોમવારે કોર્ટ હુકમ જાહેર કરશે. ભુજ જમીન કૌભાંડમાં ભુજના તત્કાલિન સર્કલ ઑફિસર સુરેન્દ્ર દવેની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયાં છે.

દરમ્યાન, ગાંધીધામના ચુડવાની જમીનના ટેકનિકલ દબાણને ઓછાં ભાવે નિયમિત કરી આપવાના સીઆઈડીએ દાખલ કરેલાં કેસમાં પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માએ પોતાને બિનતહોમત મુક્ત કરવા ભુજ સેશન્સ કોર્ટમાં દાખલ કરેલી રિવિઝન અરજી આજે આઠમા અધિક સેશન્સ જજ એસ.એમ. કાનાબારે ફગાવી દીધી છે. અગાઉ અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે શર્માની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી દેતાં તેમની કાનૂની મુશ્કેલીઓ વધી છે. ભુજના જમીન કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમ વતી રાજ્ય સરકારે સરકારી વકીલ એચ.બી. જાડેજાની વિશેષ સરકારી વકીલ તરીકે નિમણૂક કરી છે. કાયદા વિભાગે આ અંગે ઠરાવ કરી સંબંધિત સરકારી વિભાગોને મોકલી આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button