ચોટીલા-રાજકોટ હાઇવે પર ભયંકર અકસ્માત, 4 સગા દેરાણી-જેઠાણીના મૃત્યુ

ચોટીલા: ચોટીલા-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહી ટ્રક અને પિકઅપ વાન વચ્ચે થયેલી અથડામણમાં એક જ પરિવારની 4 મહિલાઓનાં મોત થયાં છે. જ્યારે 18 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મૂળ લીમડીના શિયાણી ગામથી પરિવાર સોમનાથ પિતૃ તર્પણ માટે જઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સગા દેરાણી જેઠાણીના મૃત્યુ થયા છે.
મોડી રાતે સર્જાયો અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર મોડી રાત્રે ટ્રક અને પીકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટનાસ્થળે જ 4 મહિલાઓના મૃત્યુ નીપજ્યા છે. જ્યારે અન્ય 18 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો છે. આ ઘટનાની વિગતો મળતાની સાથે જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ચોટીલા અને રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પિતૃકાર્ય માટે જતો હતો પરિવાર
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના શિયાણી ગામના એક જ પરિવારના લોકો પિતૃકાર્ય માટે સોમનાથ તરફ જઈ રહ્યા હતા. જ્યારે આ પરિવાર હાઇવે પરમાં મોલડી પાસે પહોંચ્યો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને પિકઅપ વાન વચ્ચે થયેલ ભયંકર ટક્કરમાં પિકઅપમાં સવાર 20 લોકો પૈકી બે મહિલાઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. જ્યારે અન્ય લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.
આ પણ વાંચો…IPS રશ્મિ શુક્લા ફરી બન્યા મહારાષ્ટ્રના DGP,ચૂંટણી પહેલા ટ્રાન્સફર થઇ હતી
મૃતક સગી દેરાણી-જેઠાણી
ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ ઘટનસ્થળે પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને ચોટીલા અને રાજકોટ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન એક મહિલાનું ચોટીલા સરકારી હોસ્પિટલમાં અને એક મહિલાનું રાજકોટ સરકારી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. હાલ પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક ચારેય મહિલાઓ એક જ પરિવારના સગા દેરાણી જેઠાણી છે.