આ છે વિકાસ? છોટાઉદેપુરમાં 108 ઘર સુધી ન પહોંચતા સગર્ભાને ઝોળીમાં ઉપાડીને લઇ જવી પડી

ગુજરાત દેશ માટે મોડેલ રાજ્ય ગણાય છે, ગુજરાત મોડેલની ચર્ચા સમગ્ર દેશમાં ગાઈ વગાડીને કરવામાં આવે છે પણ હકીકત કાંઈ અલગ છે. ગુજરાતમાં વિકાસની પોલ ખોલતી વરતી વાસ્તવિકતાના દ્રશ્યો સામે આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના એક ગામમાં સગર્ભાને પ્રસુતીની પીડા ઉપડતા તેને ઝોળીમાં નાખીને 3 કિલોમીટર સુધી પગપાળા ચાલીને લઈ જવી પડી હતી. આ ઘટનાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
મળતી વિગતો મુજબ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના કુંડા ગામના નોલીયાબારી ફળિયાની સગર્ભા અર્મિલાબેન ભીલને પ્રસૂતિનો દુખાવો ઉપડતાં તેને ગામના કાચા રસ્તે 108 આવતી ન હોઇ પરિવારજનોએ લાકડાની ઝોળી બનાવી અંદર સૂવડાવી ઉંચકીને નિશાના ગામ સુધી લઇ જવી પડી હતી. અંદાજિત ત્રણ કિમી ચાલ્યા બાદ ખાનગી વાહનમાં સગર્ભાને પાછળ સૂવડાવીને નિશાના ગામે 108 ઉભી હોઇ ત્યાં પહોંચાડી હતી.
આંતરિયાળ એવા નોલીયાબારી ફળિયામાં પાકા રસ્તા બન્યા નથી. ભયાનક ગરીબી અને કુપોછણ ભોગવતાં ગ્રામજનોની પરિસ્થિતિ દયનીય બની છે. નસવાડી તાલુકામાં કાચા રસ્તાને કારણે અવારનવાર સૌથી મોટી મુશ્કેલી સગર્ભાઓને વેઠવાનો વારો આવે છે. નસવાડીના દુગ્ધા પીએચસીમાં સોમવારના રાત્રે સગર્ભાએ બાળકને જન્મ આપ્યો હતો. બાળકને જન્મ આપ્યાના એક દિવસમાં પ્રસૂતાને રજા અપાઈ હતી. પછી ખીલખીલાટ પણ ગામ સુધી ન પહોંચતાં પ્રસૂતા અને તેનું બાળક બાઈક પર ઘરે પહોંચ્યા હતા. આ ગામમાં 250થી વધુની વસ્તી હોવા છતાંય હજુ સરકાર પાકા રસ્તાનો વિકાસ પહોંચાડી શકી નથી.

ઉલ્લેખનિય છે કે અગાઉ આવી જ ઘટના છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામની એક ગર્ભવતી મહિલા સાથે પણ બની હતી. જેમાં ડુંકતા ફળિયામાં ડુ ભીલ મજુલા બેનને પ્રસુતાંનો દુખાવો ઉપડતા સરકારી દવાખાને લઈ જવાની તૈયારી કરાઈ જેમાં 108ને કોલ કરતા 108 આવી પરંતુ કુકરદા બસ સ્ટેન્ડ પર આવી કારણ કે કાચા રસ્તા હોય 108 અંદર આવે તેમ નહોંતી. જેના કારણે મંજુલા બેનને તેના પરિવારજનો ઝોળીમાં નાખી એક કિલોમીટર કાચા રસ્તે પગપાળા ઉંચકીને બહાર લાવ્યા હતા. ત્યાં ખાનગી જીપ બોલાવી તેં જીપમાં નાખીને 2 કીમી બહાર લાવ્યા અને 108ને સગર્ભાને સોંપી 108 નીકળી અને અડધા રસ્તે પહોંચતા રસ્તામાં જ 108ની અંદર સગર્ભાને પ્રસુતી થઈ ગઈ હતી.