ડેમના દુષિત પાણીના વિતરણથી ખાવડાના દસ ગામ કોલેરા ભયગ્રસ્ત જાહેર

ભુજ: પાણી પુરવઠા તંત્રના અધિકારીઓની ગુનાહિત બેદરકારીના કારણે બાંડી ડેમના દૂષિત પાણીને સ્વચ્છ કર્યાં વગર વિતરીત કરી દેવાતાં ચાર માસુમ ભુલકાંઓના મૃત્યુ થયાં બાદ દોડતા થયેલા જિલ્લાના આરોગ્ય તંત્રના પ્રસ્તાવના આધારે કલેક્ટર અમિત અરોરાએ ખાવડા પાસે આવેલા મોટી રોહાતડ અને આસપાસના દસ કિલોમીટરની ત્રિજ્યાના ગામોને એક માસ માટે કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યાં છે.
દસ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા નાની રોહાતડ, નાના પૈયા, મોટા પૈયા, રતડીયા, ખાવડા, ક્રિષ્નનગર, આશાપર, મેઘપર, ક્ક્કર, સીમરીવાંઢ વગેરે ગામો કોલેરા ભયગ્રસ્ત તરીકે જાહેર કરાયાં છે અને અને ભુજના મામલતદારને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે સત્તા અપાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે મોટી રોહાતડમાં દસથી વધુ લોકોની તબિયત લથડી હતી અને ચાર બાળકોના બે-ચાર દિવસના અંતરે મૃત્યુ નીપજ્યાં હતાં. આરોગ્ય તંત્રએ સફાળા જાગીને તપાસ હાથ ધરતાં પાણી પુરવઠા વિભાગે બાંડી ડેમના દૂષિત પાણીને શુધ્ધ કર્યાં વગર વિતરીત કરતાં કોલેરા ફાટી નીકળ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું.
આ ઘટના અંગે તંત્રએ તપાસ સમિતિ નીમીને ગુનાહિત જીવલેણ બેદરકારી દાખવનાર પાણી પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓ વિરુધ્ધ ફોજદારી રાહે દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ તેવો સુર જાગૃતો કરી રહ્યા છે.