આપણું ગુજરાત

આજથી સોમનાથમાં રાજય સરકારની 11મી ચિંતન શિબીરઃ ત્રણ દિવસ મહત્વની ચર્ચાઓ કરાશે

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાની 11મી ચિંતન શિબિરનો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાન્નિધ્યમાં આજથી પ્રારંભ થયો. 21થી 23 નવેમ્બર દરમિયાન ચાલનાર આ ચિંતન શિબિરમાં કેબિનેટ મંત્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીઓ તથા 195થી વધુ સનદી અધિકારીઓ 2047 સુધીમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના રોડ મેપ અંગે ચર્ચા-મનોમંથન કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ-૨૦૦૩થી ચિંતન શિબીરની શૃંખલા શરૂ કરાવી છે. આ પરંપરાને આગળ વધારતાં ૧૧મી ચિંતન શિબીર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય પ્રધાન મંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, ખાતાના વડાઓ તથા જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની સક્રિય સહભાગીતાથી યોજાઈ રહી છે.

કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે શિબિરમાં
આ ૧૧મી ચિંતન શિબીરમાં જે વિષયો જુથ ચર્ચા અને ચિંતન-મંથન માટે પસંદ કરવામાં આવ્યા છે તેમાં રાજ્યમાં રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ, સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ, પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ થાય છે.

ચિંતન શિબીરના ત્રણેય દિવસોની શરૂઆત સામુહિક યોગથી થાય છે. સેવાઓના સુદ્રઢિકરણ માટે આર્ટીફિસ્યલ ઈન્ટેલિજન્સ અને ડેટા એનાલિસીઝ જેવા વિષયો પર નિષ્ણાતોના માર્ગદર્શક વક્તવ્યો પણ યોજાવાના છે. આ ત્રિદિવસીય શિબિરના સમાપન અવસરે બેસ્ટ જિલ્લા કલેક્ટર અને બેસ્ટ ડી.ડી.ઓ.ના એવોર્ડસ પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે એનાયત કરાશે, તેમ માહિતી ખાતાએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button