દાદરા અને નગરહવેલીમાં ચાઈનીઝ પતંગના દોરાનુ આખે આખું કારખાનું પકડાયું, અઢી કરોડનો માલ જપ્ત…

અમદાવાદઃ અમદાવાદ રૂરલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) એ એક ચાઇનીઝ દોરા બનાવતા કારખાના પર છાપો માર્યો હતો અને રૂ. 2.34 કરોડની સામગ્રી જપ્ત કરી છે, જેમાં પ્રતિબંધિત દોરાનાં 43,000 રીલ્સનો સમાવેશ થાય છે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી.
સાણંદમાંથી અગાઉ રૂ.7.5 લાખની કિંમતની ચાઇનીઝ પતંગની દોરી જપ્ત કરવામાં આવી હતી તે કેસની તપાસ દરમિયાન, અમદાવાદ રૂરલ એસઓજીએ દાદરા અને નગર હવેલીમાં સપ્લાય ચેઇન શોધી કાઢી હતી અને વંદના ઇન્ડસ્ટ્રીઝ પર દરોડો પાડ્યો હતો. કામગીરી દરમિયાન, પોલીસે મશીનરી અને કાચા માલ સાથે મોટી માત્રામાં પ્રતિબંધિત ચાઇનીઝ પતંગના દોરડા જપ્ત કર્યા હતા.
આ પ્રતિબંધિત દોરા અમદાવાદના વિવિધ સ્થળોએ સપ્લાય કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. વાપીના રહેવાસી ફેક્ટરીના માલિક વિરેન પટેલ સામે કેસ નોંધવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું.પોલીસે જણાવ્યું હતું કે ચાઇનીઝ દોરા પર સમગ્ર ગુજરાતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કારણ કે તે જાહેર સલામતી માટે ગંભીર ખતરો છે, જેમાં ઘણા બનાવો નોંધાયા છે જેમાં લોકોને ગળામાં ગંભીર ઇજાઓ થઈ છે, જેમાં જીવલેણ કેસ પણ સામેલ છે.
આ માંજો અથવા ચાઈનીઝ દોરોને લીદે પક્ષીઓ પણ મોટા પ્રમાણમાં ઘાયલ થાય છે. આ રેકેટ સંબંધિત ફરિયાદો દાદરા અને નગર હવેલી, સાણંદ, આણંદ અને કોઠ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે, અને પ્રતિબંધિત સામગ્રીના ગેરકાયદેસર ઉત્પાદન અને સપ્લાયમાં સામેલ અન્ય લોકોની શોધ પોલીસ ચલાવી રહી છે.



