મેરે અંગને મે તુમ્હારા ક્યાં કામ હૈ- ગાંઠિયા-ગોટાથી વિખ્યાત ગોંડલમાં કઈ વસ્તુ ચાઇનીઝ આવી ?

ગુજરાતભરમાં ગાંઠિયા -ભજીયા અને ગોટાના શહેર તરીકે વિખ્યાત એવા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં એક કૌતુક સર્જાયું. અહીના માર્કેટિંગ યાર્ડમાં આ વસ્તુ નજરે ચઢતા ઓહાપોહ મચી ગયો. અને આ કથિત પ્રતિબંધિત વસ્તુનો ભારે વિરોધ થવા સાથે તપાસનો ધમધમાટ પણ શરૂ થયો છે. મોટી માત્રમાં ઠલવાયેલા આ જથ્થાને અહીં લાવ્યું કોણ ? તે અંગે પૂરજોશમાં તપાસ થઈ રહી છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બે દિવસ પહેલાં થયેલી લસણની આવકમાં ચાઇનીઝ લસણ પણ 30 જેટલી બોરી (અંદાજે 600 કિલો) મળી આવતાં ઓહા -પોહ મચી ગયો છે અને તપાસનો ધમધમાટ ચાલુ કરી દેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હાલ અલગ – અલગ જણસની પુષ્કળ આવક ચાલુ છે. જેમાં બે દિવસ પહેલાં લસણની પણ મોટી આવક થઈ હતી. આ દરમિયાન ગોંડલ માર્કેટયાર્ડના કર્મચારીઓને ચાઇનીઝ લસણની 30 બોરી (અંદાજે 600 કિલો) નજરે ચડતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આરોગ્યની દૃષ્ટિએ હાનિકારક હોવાથી ભારત સરકારે ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મૂક્યો છે. કારણ કે ચાઇનીઝ લસણ હલકી ગુણવત્તાનું અને ખૂબ જ સસ્તું હોય છે. ભારતના ખેડૂતોને નુકસાન વેઠવું ન પડે તે માટે સરકારે પ્રતિબંધ લગાવેલો છે. આ મામલે માર્કેટિંગ યાર્ડના ચેરમેને ચાઇનીઝ લસણની 30 બોરી અલગ તારવી લઈને રાજ્ય સરકારનું માર્ગદર્શન માંગી. આ જથ્થો કોણે મંગાવ્યો અને કોણે મોકલ્યો? એ અંગે તપાસ શરુ કરાવી છે. જો ચાઇનીઝ લસણ ગુજરાતમાં આવશે તો ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડશે.