બાળકોને માતૃભાષામાં ઉત્તમ સાહિત્ય મળી રહે તે માટે થઈ રહ્યા છે પ્રયાસો, તમે પણ સાંભળો બાળકાવ્યો
અમદાવાદ: માતૃભાષાને બચાવવા માટે કોઈ કાર્યક્રમો કરવા પડે તે શરમની વાત છે. આજની યુવાપેઢી અંગ્રેજીના માયાજાળમાં પોતાની માતૃભાષા ભૂલતી જતી હોય તેવું લાગે છે. તે માટે જો નાના બાળકોને જ ગુજરાતી ભાષામાં ઉત્તમ બાળ-સાહિત્ય પીરસવામાં આવે તો ભવિષ્યમાં માતૃભાષા બચાવો જેવા અભિયાનો ચલાવવા નહીં પડે. આવાજ એક હેતુ સાથે માતૃભાષા અભિયાન હેઠળ વર્ષ 2015 થી બાળ-સાહિત્ય શનિસભાનું આયોજન કરવામાં આવે છે.
ત્યારે આજરોજ માતૃભાષા અભિયાન હેઠળ ૧૬૭મી બાળ-સાહિત્ય શનિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રિય સાહિત્ય અકાદમી બાળ-સાહિત્ય પુરસ્કારથી સન્માનિત પ્રખર બાળ-સાહિત્ય લેખક યશવંત મહેતા સહિત અન્ય 11 બાળ-સાહિત્ય લખતા તેમજ તેમા રસ દાખવતા લેખકોએ પોતાની હાજરી આપી હતી.
યશવંત મહેતાના જણાવ્યા પ્રમાણે ૧૫ એપ્રિલ, ૨૦૧૫થી બાળ-સાહિત્ય શનિસભા શરૂ થયેલ અને આજે ૧૬૭મી બાળ-સાહિત્ય શનિસભા યોજાય હતી. બાળ-સાહિત્યમાં અદભુત અને ઉત્તમ કૃતિઓ રચાય અને બાળકોની વયને ધ્યાનમાં રાખીને રચનાઓ રચાય તે હેતુથી પ્રતિમાસ ચોથા શનિવારે બાળ-સાહિત્ય શનિસભાનું આયોજન કરવામાં આવે છે.
આ શનિસભામાં સભામાં લેખકો અને કવિઓ પોતાની અપ્રકાશિત કૃતિઓને અન્ય બાળ-સાહિત્યકારો સમક્ષ રજુ કરે અને તેના પર સકારાત્મક ટિપ્પણીના અંતે ઉત્તમ કૃતિ પ્રકાશિત થઈ તે સાહિત્ય બાળકો પહોંચે તેવા હેતુથી આ પહેલ કરવામાં આવી હતી. હવે તેના માટે બાળઆનંદ નામથી એક ત્રિમાસિક બાળ સામાયિક પણ શરૂ કરવામાં આવ્યું છે જેમાં અહી રજૂ કરાયેલી ઉત્તમ કૃતિઓને તેમાં સ્થાન આપવામાં આવે છે. આ શનિસભામાં બાળ-ગીતો, બાળ-નાટકો તેમજ બાળ-વાર્તાઓ જેવા બાળકોને લગતા તમામ સાહિત્યને આવકારવામાં આવે છે.