સોસાયટીના બાળકોએ ફોડેલા ફટાકડાનો કચરો ભેગો કરવા ગયેલા ગરીબ બાળકો દાઝ્યા
ભુજ: દિપોત્સવીના તાજેતરમાં સંપન્ન થયેલા દિવસો દરમિયાન કચ્છમાં ફટાકડાના કારણે આગ લાગવાના અને દાઝી જવાના અનેક બનાવો બન્યા છે. ઔદ્યોગિક મથક ગાંધીધામ શહેરની સિંધુ વર્ષા સોસાયટીમાં ફૂટેલા ફટાકડાનો કચરો બાળી રહેલા શ્રમજીવી પરિવારના ત્રણ બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા.
અહીંના એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર, દિવાળી દરમ્યાન થયેલી આતશબાજી વચ્ચે શ્રમજીવી પરિવારના બાળકો ફટાકડા વીણવા નીકળી પડ્યા હતા. સિંધુ વર્ષા સોસાયટીમાંથી એકત્ર કરેલા ફટાકડાના કચરાને સળગાવતી વેળાએ ત્રણ ટાબરિયાંઓને આગે ઝપેટમાં લઈ લીધા હતા. ત્રણ પૈકી બે બાળકોને અત્યંત ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. એક બાળકે પોતાની આંખ ગુમાવી હતી. જ્યારે એક બાળકના એક હાથ પર ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી.
આ પણ વાંચો :28 લાખ દીવાના ઝગમગાટથી ઝળહળી ઉઠી અયોધ્યા નગરી…
દાઝી ગયેલા બાળકોને સ્થાનિક લોકોએ સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાંથી તેમને વધુ સારવાર માટે ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં રીફર કરાયા બાદ તેમની હાલત અત્યંત નાજુક બનતા બાળકોને અમદાવાદ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ગાંધીધામ પોલીસે પણ બનાવની નોંધ લઇ આગળની તપાસ શરૂ કરી છે.