ગુજરાતમાં RTE હેઠળ બીજા રાઉન્ડમાં 7,006 બાળકોને પ્રવેશ: કુલ 7,378 બેઠકો ખાલી રહી

અમદાવાદ: ગુજરાત રાજ્યમાં RTE (Right to Education) એક્ટ-2009 હેઠળ બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% બેઠકો પર નબળા અને વંચિત જૂથના બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ અંતર્ગત, 21 મે, 2025ના રોજ યોજાયેલા બીજા રાઉન્ડમાં વધુ 7,006 જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આ સાથે, પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવી ચૂકેલા 80,453 વિદ્યાર્થીઓ સહિત કુલ 87,459 બાળકોને RTE હેઠળ પ્રવેશ મળ્યો છે.
પ્રવેશ કન્ફર્મ કરવાની અંતિમ તારીખ 28 મે
જે વિદ્યાર્થીઓને બીજા રાઉન્ડમાં પ્રવેશ મળ્યો છે, તેમણે 28 મે, 2025 (બુધવાર) સુધીમાં સંબંધિત શાળામાં રૂબરૂ જઈને જરૂરી આધાર પુરાવા જમા કરાવી પોતાનો પ્રવેશ નિયત કરાવી લેવાનો રહેશે. સમયમર્યાદામાં પ્રવેશ કન્ફર્મ ન કરનાર વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ ગણાશે.
આ પણ વાંચો: ગુજરાત સરકારે વાલીઓને આપી મોટી રાહત; RTE પ્રવેશ માટે આવક મર્યાદા વધારાઈ
હજુ પણ 7,378 બેઠકો ખાલી
બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ પણ રાજ્યભરમાં કુલ 7,378 જેટલી બેઠકો ખાલી રહી છે. આ ખાલી બેઠકોમાં ગુજરાતી માધ્યમની 728, અંગ્રેજી માધ્યમની 4,564, હિન્દી માધ્યમની 1,920 અને અન્ય માધ્યમની 166 બેઠકોનો સમાવેશ થાય છે. આ બેઠકો અરજદારોની પસંદગીના અભાવે અથવા 6 કિમીની ત્રિજ્યાના વિસ્તારમાં શાળાઓની અનુપલબ્ધતાને કારણે ખાલી રહી હોવાનું પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા જણાવાયું છે.
આ પણ વાંચો: ગુજરાત RTE એક્ટ હેઠળ વિદ્યાર્થીઓને પુસ્તકો-ગણવેશ આપનારું દેશનું પ્રથમ રાજ્ય
પ્રથમ રાઉન્ડ અને પુનઃપસંદગી પ્રક્રિયા
શૈક્ષણિક વર્ષ 2025-26માં રાજ્યની કુલ 9,814 બિન-અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જુદા જુદા માધ્યમમાં કુલ 94,798 જેટલી RTE હેઠળની બેઠકો ઉપલબ્ધ હતી. પ્રથમ રાઉન્ડમાં 86,264 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો, જેમાંથી 80,453 વિદ્યાર્થીઓએ સમયસર પ્રવેશ મેળવી લીધો હતો. પ્રથમ રાઉન્ડ બાદ ખાલી રહેલી 14,345 બેઠકો પર વધુને વધુ વંચિત બાળકોને લાભ મળી રહે તે હેતુથી, પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલા અને માન્ય અરજી ધરાવતા 89,445 અરજદારોને 15 મે, 2025 થી 17 મે, 2025 દરમિયાન શાળાઓની પુનઃપસંદગીની તક આપવામાં આવી હતી. આ સમયગાળામાં 45,695 અરજદારોએ પુનઃપસંદગી કરી હતી, જ્યારે બાકીના 43,750 અરજદારોએ પ્રથમ રાઉન્ડમાં ભરેલા ફોર્મની શાળાઓ યથાવત રાખી હતી.