અમદાવાદમાં ચાઈલ્ડ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાસ, અન્ય રાજ્યોથી બાળકો લાવી ભીખ મંગાવતા

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર ભિક્ષાવૃત્તિમાં દલાલ મારફતે ભીખ માંગવાના રેકેટનો (Child trafficking racket) ખુલાસો થયો છે. જેમાં બાળકોને રોજના રૂ. 150માં ભિક્ષાવૃત્તિ કરાવવામાં આવતી હતી. આવા 15 બાળકોને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે મુક્ત કરાવ્યા છે, જેમાં કેટલીક બાળકીઓ પણ છે. આ બાળકીઓ સાથે અનૈતિક કૃત્ય થયું છે કે નહીં એ જાણવા માટે પોલીસે મેડિકલ ચેકઅપ કરાવવામાં આવશે.
દરેક વિસ્તારના ટ્રાફિક સિગ્નલનું અલગ-અલગ રેટકાર્ડ:
સૂત્રો પાસેથી મળતી મહિતી મુજબ દલાલો ભીખ મગાવવા માટે રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી બાળકો સહિત તેના આખા પરિવારને લઈ આવે છે અને અહીં ટ્રાફિક સિગ્નલ પર ભીખ મગાવે છે. તેમાંય વિસ્તાર મુજબ રોજે રોજ બાળકો પાસે ભીખ મગાવડાવી સાંજે નક્કી થયેલા રેટ મુજબ બાળકોના પરિવારને રૂપિયા ચૂકવી દેવામાં આવે છે.
દરેક વિસ્તારના ટ્રાફિક સિગ્નલનું રેટકાર્ડ પણ નક્કી કરવામાં આવ્યું છે. જેમાં પોશ વિસ્તાર એસજી હાઈવે હોય તો રૂ. 150 અને સીજી રોડ હોય તો રૂ. 100 એમ રેટ નક્કી કરવામાં આવ્યા હતા. આ આખા રેકેટનો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ થયો છે. જેમાં 15 બાળકોને હ્યુમન ટ્રાફિકિંગ હેઠળ લવાયાં હોવાથી, નવ ફરિયાદ નોંધવામાં આવી છે. આ તમામ 15 બાળકોને છોડાવવામાં આવ્યા છે, જેમાં કેટલીક બાળકીઓ પણ છે. આ બાળકીઓ સાથે અનૈતિક કૃત્ય થયું છે કે નહીં એ આશંકાથી પોલીસે મેડિકલ ચેકઅપ કરાવવાનું શરૂ કર્યું છે.
અત્યાર સુધી કુલ 33 બાળકોને રેસ્ક્યૂ કરાયા:
દલાલ બાળકો, પરિવારોને અમદાવાદના ટ્રાફિક સિગ્નલ પર લાવે છે. તેમાં રોજના રોજ રૂપિયા આપે છે. તેમજ જે વધારે ભીખ ન માગી શકે તેને વતન પરત મોકલી દેવામાં આવે છે. આ કૌભાંડ બહાર આવતા હવે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. અન્ય રાજ્યમાં મોટા પાયે ચાલતા કૌભાંડનો પરદાફાશ થઇ શકે છે. તેમજ કેટલાય ગુનેગારો પોલીસ પકડમાં આવી શકે છે. અત્યાર સુધીમાં કુલ 33 બાળકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યાં છે.