ગુજરાત બાળકો માટે અસાલમત! 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની હત્યામાં રાજ્ય બીજા ક્રમે
અમદાવાદ: નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના વર્ષ 2022ના ડેટામાં જાણવા મળ્યું કે ગુજરાત બાળકો માટે સલામત નથી. છ વર્ષથી ઓછી વયના બાળકોની હત્યામાં ગુજરાત દેશમાં બીજા ક્રમે રહ્યું છે. એનસીઆરબીના ડેટા અનુસાર, મહારાષ્ટ્રમાં છ વર્ષથી ઓછી વયના બાળકોની 60 હત્યાઓ નોંધાઈ હતી જ્યારે ગુજરાતમાં તે 45 હત્યાઓ નોંધાઈ હતી. કર્ણાટક આવી 44 ઘટનાઓ સાથે ત્રીજા સ્થાને છે.
માહિતી અનુસાર, વર્ષ 2022માં ગુજરાતમાં હત્યા કરાયેલા છ વર્ષથી નીચેના 45 બાળકોમાંથી 20 છોકરાઓ હતા જ્યારે 25 છોકરીઓ હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આમાંની કેટલીક હત્યાઓ, ખાસ કરીને બાળકીની હત્યા મેલ ચાઈલ્ડની લાલસાને કારણે થઈ હોઈ શકે છે.
6 થી 12 વયજૂથના બાળકોની હત્યાના મામલે પણ ગુજરાત ત્રીજા ક્રમે છે. વર્ષ 2022માં કર્ણાટકમાં આવા હત્યાના સૌથી વધુ 36 કેસ નોંધાયા છે, ત્યારબાદ મહારાષ્ટ્ર (31) અને ગુજરાતમાં (22) આવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આ વયજૂથના માર્યા ગયેલા 22 બાળકોમાંથી 11 છોકરાઓ અને 11 છોકરીઓ હતી.
ગુજરાતમાં આ જ સમયગાળા દરમિયાન 12 થી 16 વર્ષની વયજૂથના 13 કિશોરોની હત્યા કરવામાં આવી હતી જેમાં 5 છોકરાઓ અને 8 છોકરીઓ હતી.