કેન્દ્રીય બજેટ પર મુખ્ય પ્રધાનની પ્રતિક્રિયા “2024-25 નું બજેટ ‘વિકસિત ભારત’ના નિર્માણનો સુરેખ પથ કંડારનારું”
ગાંધીનગર: આજે રજૂ થયેલા કેન્દ્રીય બજેટને લઈને ગુજરાતના મુખ્યપ્રધાને નિવેદન આપ્યું છે. ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલું વર્ષ 2024-25 નું બજેટ ‘વિકસિત ભારત’ના નિર્માણનો સુરેખ પથ કંડારનારું છે. આ બજેટમાં 2047 સુધીમાં ભારતનો યુવા વિશ્વની સમક્ષ ઊભરી આવે તે મતનો યોજના પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીએ બજેટની ભરપૂર પ્રસંશા કરતાં કહ્યું હતું કે, વડાપ્રધાનની ‘GYAN’ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના સર્વાંગી વિકાસ આધારિત વિકાસની જે સંકલ્પના હતી તેને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા આ બજેટમાં ઝળકે છે, સાથે સાથે રોજગાર, કૌશલ્ય, વિકાસ, MSME અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે એનર્જી સિક્યુરિટી, પ્રાકૃતિક ખેતી સહિત કૃષિ ક્ષેત્રના વિકાસને પ્રાયોરિટી આપવામાં આવી છે.
મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, દેશની આઝાદીની શતાબ્દીએ 2047 સુધીમાં ભારતનો યુવા વિશ્વ સમક્ષ યુથ પાવર બનીને ઉભરી આવે તે માટેની યોજનાઓ પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. યુવા શક્તિના કૌશલ્ય નિખાર માટે 2 લાખ કરોડ રૂપિયાના પ્રાવધાન સાથે આગામી વર્ષોમાં 4.1 કરોડ યુવાઓ માટે પાંચ નવી યોજનાઓ શરૂ થવાની છે. આ યોજનાઓથી દેશની યુવા શક્તિને રોજગાર, સ્વરોજગાર, ઉદ્યમીતા અને ઈનોવેશન ક્ષેત્રમાં નવા સોપાનો સર કરવાની નવી દિશા મળશે.
આ પણ વાંચો : Union Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું બજેટમાં વિકસિત ભારતનો રોડમેપ
વધુમાં કહ્યું હતું કે વડાપ્રધાન મોદી વિકસિત ભારત માટે જે 9 પ્રાયોરિટી નક્કી કરી છે તેને સર્વગ્રાહી વેગ આપતું આ બજેટ છે. સહકાર સે સમૃદ્ધિના મંત્રને દેશભરમાં સરળતાથી પાર પાડવા નેશનલ કૉ-ઑપરેશન પોલિસી લાગુ કરવાના નિર્ણયથી રૂરલ ઇકોનોમીને ફાસ્ટ ટ્રેક પર લાવવા મદદ મળશે. ભૂપેન્દ્ર પટેલે રોજગાર અને તાલીમ માટે ઇ.પી.એફ.ઓ. સાથે એમ્પ્લોયમેન્ટ લિન્ક્ડ ઈન્સેન્ટિવની ૩ યોજનાઓ શરૂ કરવાની વાતને આવકારતા કહ્યું કે, જોબ ક્રિએશન ઈન મેન્યુફેક્ચરિંગ સેક્ટર સ્કીમ અંતર્ગત મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં નવા રોજગારને પ્રોત્સાહન અપાશે.