મુખ્ય પ્રધાને દસ જેટલા સોમ-મંગળની અનૌપચારિક મુલાકાતો રદ કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં એવી પ્રણાલિકા પ્રસ્થાપિત થઈ છે કે ગુજરાતના મુખ્યમંત્રી દર સોમવારે આમજનતાને અને મંગળવારે ધારાસભ્યો અને સંસદ સભ્યોને પૂર્વ મંજૂરી વગર સીધેસીધા મળે છે.
છેલ્લા કેટલાક સમયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યાલયમાંથી અવારનવાર એવી યાદી બહાર પાડવામાં આવે છે કે ’મુખ્યમંત્રી જનસંપર્ક માટે નિશ્ર્ચિત કરેલા દિવસોએ અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાથી મળી શકશે નહીં.’ આ બાબતથી ખુદ ભા.જ.પ.ના ધારાસભ્યો અને સંસદ સભ્યો પણ નિરાશા અનુભવે છે પરંતુ પક્ષની શિસ્તને કારણે કશું બોલી શકતા નથી.સ્વર્ણિમ સંકુલ -૧ માં આવતા રાજકીય નેતાઓ એવું કહેતાં પણ સંભળાયા છે કે મુખ્યમંત્રીને દિલ્હી જવાનું થાય કે વડા પ્રધાન ગુજરાતની મુલાકાતે હોય ત્યારે તો સમજાય કે સોમ – મંગળની જાહેર મુલાકાત કેન્સલ કરે પણ ભૂપેન્દ્ર પટેલ ગુજરાતમાં હોય ત્યારે પણ જનતા કે પદાધિકારીઓને મળવાનું ટાળે એ યોગ્ય ન ગણાય! મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આમ તો સરળ સંવેદનશીલ મુખ્યમંત્રીની છાપ ધરાવે છે પરંતુ તેઓને કોઈક એવી મજબૂરી નડે છે કે જેને કારણે તેઓને પક્ષ, સંગઠન વગેરેનાં કામમાં ફંટાઈ જવું પડે છે અને તેને કારણે તેઓ સરકારનાં વડા તરીકેની ફરજો બજાવવા માટે જરૂરી સમય ફાળવી શકતા નથી. વળી, ભા.જ.પ.માં તો છેલ્લા એક-બે માસથી આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પણ થવા લાગી છે એટલે મુખ્યમંત્રીએ એમાં પણ ધ્યાન આપવું પડતું હોય એવું ય બને.એક કાચી ગણતરી અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા છ માસમાં આશરે દસ જેટલા સોમ-મંગળની અનૌપચારિક મુલાકાતો રદ્દ કરી છે.આ પરંપરા અટકે એવું સૌ ઈચ્છી રહ્યા છે.