ઓલિમ્પિક્સ-૨૦૨૪ના ખેલાડીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું “અમે ‘ચિયર ફોર ભારત’ માટે ઉત્સુક”

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પેરિસ ખાતે આયોજિત ઓલિમ્પિક્સ-2024માં ભાગ લેવા જઈ રહેલા ગુજરાતના 3 પ્રતિભાવાન ખેલાડીઓ સહિત ભારતના તમામ ખેલાડીઓને સમગ્ર ગુજરાત વતી જ્વલંત સફળતાની શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ત્રણ હોનહાર ખેલાડીઓ આ ઓલિમ્પિક્સમાં ભાગ લઈ રહ્યા છે તેને સૌ ગુજરાતવાસીઓ માટે આનંદનો અવસર ગણાવ્યો છે.
આપણા સ્ટાર ખેલાડીઓ નિરજ ચોપડા, પી.વી. સિંધુ, શરથ કમલ, શ્રીજેશ પી.આર., રોહન બોપન્ના, મીરાબાઇ ચાનુ સહિત ભારતના 117 ખેલાડીઓ આ રમતોત્સવની વિવિધ 16 સ્પર્ધામાં ભાગ લેવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિક્સમાં ભાગ લેવા જઇ રહેલા આ ખેલાડીઓ સાથે રૂબરૂ સંવાદ કરીને તેમને સફળતાની શુભેચ્છાઓ પાઠવી છે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ખેલ મહાકુંભ દ્વારા સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કરીને અનેક પ્રતિભાવંત ખેલાડીઓને નિખાર આપ્યો છે. તેમજ ટેબલ ટેનિસ રમતમાં હરમિત દેસાઈ અને માનવ ઠક્કર તેમજ ઍર રાઇફલ શૂટિંગમાં ઈલાવેનિલ વાલારિવનની પેરિસ ઓલિમ્પિક્સ-2024માં પસંદગી ગુજરાતના ખેલ જગતની ગૌરવ ગાથામાં નવું સિમાચિહ્ન છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ઓલિમ્પિક્સ રમતોમાં વધુને વધુ મેડલ્સ મેળવીને આપણા ખેલાડીઓ ભારતીય તિરંગો પેરિસ ઓલિમ્પિક્સમાં લહેરાવે તેવી સૌ દેશવાસીઓની મનોકામના છે. આ સાથે જ મુખ્યમંત્રીએ સૌ ખેલાડીઓને સફળતાની શુભેચ્છાઓ આપતા કહ્યું હતું કે સૌ ભારતવાસીઓ ‘ચિયર ફોર ભારત’ (Cheer for Bharat) માટે ઉત્સુક છે.