આપણું ગુજરાત

જાપાનના ટોક્યોમાં ઉદ્યોગ-રોકાણકારો સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનો રોડ-શૉ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇનવેસ્ટર સમિટ ૨૦૨૪ના ભાગરૂપે જાપાન પ્રવાસના ચોથા દિવસે ટોક્યોમાં જાપાનના અગ્રણી ઉદ્યોગ રોકાણકારો, બિઝનેસ પ્રોફેશનલ્સ સાથે રોડ-શૉ યોજ્યો હતો. ગુજરાતમાં તત્કાલીન મુખ્ય પ્રધાન અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૩થી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આગામી જાન્યુઆરી ૨૦૨૪માં યોજાઇ રહેલી ૧૦મી એડિશનમાં જાપાનના ઉદ્યોગ-રોકાણકારોને આમંત્રણ આપવા માટે મુખ્ય પ્રધાન પટેલના નેતૃત્વમાં ગુજરાતનું હાઈલેવલ ડેલીગેશન જાપાન-સિંગાપોરના સાપ્તાહિક પ્રવાસે છે. ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં જાપાનના ૨૦૦થી વધુ અગ્રણી ઉદ્યોગ રોકાણકારો-બિઝનેસ પ્રોફેશનલ્સ સમક્ષ ગુજરાતના સર્વગ્રાહી વિકાસ સાથે ભારતના વિકાસ રોલ મોડેલ રાજ્ય તરીકેની વિકાસ ગાથાની પ્રભાવક પ્રસ્તુતિ આ રોડ-શૉમાં કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, જાપાન સમગ્ર વિશ્ર્વમાં આધુનિક ટેકનોલોજી અને પ્રાચીનતમ સંસ્કૃતિ માટે મશહૂર છે. આ પ્રતિષ્ઠા સ્થાપિત કરવામાં ઉદ્યોગકારોનો સહયોગ મહત્ત્વપૂર્ણ છે.

ભારત અને જાપાન બેય દેશો માનવતા અને આધુનિકતાના સિદ્ધાંતમાં માને છે. એટલું જ નહીં, ગુજરાતે તો વિકાસના રોલ મોડલ અને પૉલિસી ડ્રિવન સ્ટેટનું ગૌરવ મેળવ્યું છે. મુખ્ય પ્રધાને એવું પણ જણાવ્યું હતું કે, જાપાનના અનુભવ અને ક્ષમતા સાથે ગુજરાતની ઉદ્યોગ સાહસિકતા અને જાપાનની ટેકનોલોજી સાથે ગુજરાતના યુથ ટેલેન્ટના સમન્વયથી જાપાન-ભારત-ગુજરાત સંબંધોને વડા પ્રધાનના માર્ગદર્શનમાં નવી ઊંચાઈ મળશે. ૨૦૨૭ સુધીમાં કાર્બન મુક્ત નેટ ઝીરો ઇકોનોમી હાંસલ કરવાના વડા પ્રધાનશ્રીના લક્ષ્યમાં ગુજરાતને ગ્રીન ગ્રોથની પ્રાથમિકતાથી અગ્રેસર રાખવાની નેમ પણ મુખ્ય પ્રધાને દર્શાવી હતી. મુખ્ય પ્રધાને આત્મનિર્ભર, વિકસિત ભારત માટે આત્મનિર્ભર ગુજરાતની સંકલ્પના સાથે ગુજરાતે સેમિક્ધડક્ટર, ગ્રીન હાઈડ્રોજન, ઇ-મોબિલીટી, રીન્યુએબલ એનર્જી તથા ગ્લોબલ ફાઇનાન્સિયલ એક્ટિવિટીઝ જેવા ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટના સેક્ટર્સ પર વિશેષ ઝોક આપ્યો છે તેની વિશદ ભૂમિકા આપી હતી.

તેમણે કહ્યું હતું કે, ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે આગામી વાઇબ્રન્ટ સમિટ દ્વારા ગુજરાત આ નવા ઊભરતા ક્ષેત્રમાં લીડ લેવા સજ્જ છે. ગુજરાતની પૉલિસી ડ્રીવન સ્ટેટ, પ્રો-એક્ટિવ અપ્રોચ, પ્રોત્સાહક અભિગમવાળા રાજ્ય તરીકેની પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કરતા જાપાનીઝ ઉદ્યોગ રોકાણકારોને વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪માં સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું. જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ કાઝુયા નાકાજો અને ડાયરેક્ટર જનરલ તાકેહિકો ફુરુકાવાએ ગુજરાતે સાધેલા નોંધપાત્ર વિકાસની તેમજ ભારતમાં ગુજરાતે ઊભા કરેલા સ્થાનની સરાહના કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button