50 લાખ શ્રદ્ધાળુઓ માટે રેલવેની ભેટ: છઠ પૂજાને લઈ ગુજરાતથી 60થી વધુ એકસ્ટ્રા ટ્રેન દોડાવવાનો નિર્ણય…

અમદાવાદઃ છઠ પુજાને લઈ પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેકકુમાર ગુપ્તાએ સ્ટેશનો પરની વ્યવસ્થા તપાસ્યા બાદ મહત્વની માહિતી આપી હતી.તેમણે જણાવ્યું કે, મુસાફરોની વધેલી માંગને પહોંચી વળવા માટે ગુજરાતના મુખ્ય સ્ટેશનો પરથી 65 જેટલી વધારાની સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આ સ્પેશિયલ ટ્રેનોમાં આશરે 50 લાખ પ્રવાસીઓ મુસાફરી કરશે.
કાલુપુર સહિતના મુખ્ય સ્ટેશનો પર જ્યાંથી આ સ્પેશિયલ ટ્રેનો પસાર થાય છે, ત્યાં મુસાફરોની ભીડને સંભાળવા માટે અલગથી વેઇટિંગ એરિયા બનાવવામાં આવ્યા છે. જેમાં મુસાફરોને પીવાનું પાણી, લાઈટિંગ અને શૌચાલય જેવી જરૂરી સુવિધાઓ મળે તેની ખાતરી કરવામાં આવી છે. સ્ટેશન પર અંધાધૂંધી ન ફેલાય અને સૌ સુરક્ષિત રીતે પ્રવાસ કરી શકે તે માટે મુસાફરોને યોગ્ય લાઇનમાં ઊભા રાખીને ટ્રેનમાં ચઢાવવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત જનરલ ટિકિટ કાઉન્ટરો પરની ભીડ ઘટાડવા માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. લોકોને ટિકિટ લેવામાં મુશ્કેલી ન પડે તે માટે અહીં અલગથી અનાઉન્સમેન્ટ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. આ વર્ષે પ્રવાસીઓનો ધસારો ગયા વર્ષ કરતાં લગભગ 40 ટકા જેટલો વધારે છે. એટલે કે, ગત વર્ષની સરખામણીમાં આ વખતે એક લાખ જેટલા વધુ મુસાફરો મુસાફરી કરશે. જોકે, રેલવેએ ભીડ ન થાય અને કોઈને અગવડ ન પડે તે માટે પૂરતી વ્યવસ્થા કરી છે.
તહેવારો દરમિયાન મુસાફરોની સુરક્ષા જાળવવા માટે આરપીએફ અને જીઆરપીના અધિકારીઓ અને જવાનોને મોટી સંખ્યામાં સ્ટેશનો પર તહેનાત કરવામાં આવ્યા છે. તેઓ ટિકિટ ચેકિંગની સાથે સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની સતત દેખરેખ રાખી રહ્યા છે.
આ પણ વાંચો…છઠ પૂજા પહેલા બિહારીઓ માટે ઘરે જવાનું મુશ્કેલ: 20 વર્ષમાં માત્ર 10 નવી ટ્રેન, વિમાન ભાડાં આસમાને…



