ગુજરાતનું ગૌરવ વધશે: કચ્છના બન્નીમાં ચિત્તા સંવર્ધન કેન્દ્રને મંજૂરી

ગાંધીનગર: ગુજરાત વિશ્વમાં એશિયાટિક સિંહનું એક માત્ર નિવાસસ્થાન છે, ત્યારે હવે ટૂંક સમયમાં ગુજરાતની ધરતી પણ ચિત્તાઓનું પણ આગમન થવા જઈ રહ્યું છે. રાજ્યના વન અને પર્યાવરણ પ્રધાન મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે કચ્છના બન્ની ઘાસના મેદાનોમાં ચિત્તાનું સંવર્ધન કરવા માટે કેન્દ્ર સ્થાપવાની રાજ્યની દરખાસ્તને મંજૂરી આપી હતી. ગુજરાત હવે એકમાત્ર રાજ્ય બનશે જ્યાં સિંહ, ચિત્તા દીપડા વસતા હોય.
ગુજરાત સરકારે નેશનલ કમ્પેન્સેટરી ફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી(CAMPA)ને દરખાસ્ત મોકલી હતી. શુક્રવારે મળેલી નેશનલ CAMPAની એક્ઝિક્યુટિવ કમિટીએ કચ્છના બન્ની ઘાસના મેદાનોમાં ચિત્તા સંવર્ધન કેન્દ્ર સ્થાપવા માટે મંજૂરી આપી દીધી છે.
મુળુભાઈ બેરાએ કહ્યું કે ચિત્તા એક સમયે બન્ની ઘાસના મેદાનોમાં મુક્ત પણે ફરતા હતા પરંતુ સમય સાથે તે લુપ્ત થઈ ગયા હતા. દરખાસ્ત મંજૂર થવાથી કચ્છ જિલ્લામાં ફરી ચિત્તાઓ ફરતા થાય તેવી અપેક્ષા છે.
વન્યજીવ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે 1921 સુધી સૌરાષ્ટ્ર અને દાહોદમાં ચિત્તાના શિકારના રેકોર્ડ છે. કેટલાક સંદર્ભ સામયિકોએ 1940ના દાયકાના પ્રારંભ સુધી ગુજરાતમાં આ ચિત્તાની હાજરીનો ઉલ્લેખ કર્યો છે, જો કે, નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ગુજરાતમાં, ખાસ કરીને કચ્છ વિસ્તારમાં ચિત્તાઓનું પુનર્વસન કરવું એ એક મોટું કાર્ય હશે. કચ્છમાં પર્યાપ્ત શિકાર નથી. ચિત્તા લાવવામાં આવે તે પહેલાં ગુજરાત સરકારે સંવર્ધન કેન્દ્રો સ્થાપવા પડશે અને આ વિસ્તારમાં શિકાર માટેના પ્રાણીઓ વધરવા પડશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે પ્રોજેક્ટ ચિત્તા પ્રથમ વખત અમલ કરવાની યોજના બની રહી હતી ત્યારે દેશમાં પાંચ સ્થળો અંગે વિચારણા કરવામાં આવી હતી, બન્નીના ઘાસના મેદાનો ચિત્તા સંરક્ષણ માટે યોગ્ય સ્થળો પૈકી એક હતા. કેન્દ્રીય વન મંત્રાલય અને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) એ એશિયાઈ સિંહના સંરક્ષણ માટે મધ્ય પ્રદેશના કુનો પાલપુર ખાતે એક અભયારણ્ય તૈયાર કર્યું હતું.
એશિયાટિક સિંહોને ગીરથી કુનો પાલપુર અભયારણ્યમાં સ્થાનાંતરિત કરવાનો પ્રોજેક્ટ આગળ વધ્યો ન હોવાથી, યુનિયન NTCAએ અભયારણ્ય તૈયાર હોવાથી ત્યાં ચિત્તા રાખવા જરૂરી પરવાનગીઓ મેળવી હતી.
કુનો પાલપુરમાં ચિત્તાના પ્રવેશ બાદ, તેમના સંવર્ધન માટે ગુજરાત અને રાજસ્થાનમાં એક-એક વધારાની સાઇટ્સ વિચારણા હેઠળ હતી.