અમદાવાદમાં ગરબા ઇવેન્ટના નામે ખેલૈયાઓ સાથે છેતરપિંડી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: નવલી નવરાત્રિના ત્રીજા નોરતે કેટલાક અમદાવાદીઓને ગરબા નાઇટનો કડવો અનુભવ થયો હતો. કેટલાક મીડિયા અહેવાલો મુજબ અમદાવાદના એસપી રિંગ રોડ વિસ્તારમાં રમે અમદાવાદ નામથી ગરબા ઇવેન્ટ યોજાઇ હતી. આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે જ્યારે ખેલૈયાઓ પહોંચ્યા ત્યારે ગરબાની જગ્યાએ સૂમસામ અંધારપટ હતો. રાતોરાત ગરબા કેન્સલ કરીને લાઇટ-સ્પીકરો હટાવી લેવામાં આવ્યા અને ખેલૈયાઓને જણાવવામાં આવ્યું કે ગરબાનો કોઇ કાર્યક્રમ છે જ નહિ. આમ, એક પાસના ૫૦૦ રૂપિયાને હિસાબે હજારો રૂપિયાનો ખર્ચ કરીને દૂર દૂરના વિસ્તારથી આવેલા ખેલૈયાઓ સાથે મોટો દગો થયો હતો. કેટલાકે તો ગૃ્રપમાં પાસ ખરીદીને ૧૦ થી ૧૫ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પરિણામે ખેલૈયાઓમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો.
આયોજકોએ આ બાબતે ખુલાસો કરતા એક મીડિયા સંસ્થાને નિવેદન આપ્યું હતું કે અમારી કંપની દ્વારા જે ગરબા યોજવામાં આવે છે તેના કોમ્પ્લીમેન્ટરી પાસનું પૈસાથી ગેરકાયદે વેચાણ કરવામાં આવ્યું હતું. જેના લીધે અમે ગરબા કેન્સલ કરી દીધા હતા. રાતોરાત કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના હજારો રૂપિયાના પાસ ખરીદનારા ખેલૈયાઓને નિરાશ કરનાર આયોજક સામે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.