રાજકોટ અગ્નિકાંડમાં 15 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરાઈઃ 30થી વધુ સાક્ષીના નિવેદન નોંધાયા
રાજકોટઃ રાજકોટ શહેરમાં બાળકો સહિત 27 નિર્દોષ લોકોનો ભોગ લેનાર શહેરના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડને આજે બે મહિના પુરા થયા છે ત્યારે ગઈકાલે બુધવારે ક્રાઇમ બ્રાન્ચની સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (એસઆઈટી) દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. ઇન્વેસ્ટિગેશન ઓફિસર ACP ક્રાઈમ ભરત બસિયા દ્વારા 15 આરોપી સામે એક લાખથી વધુ પાનાંની ચાર્જશીટમાં 365 જેટલા સાહેબોના નિવેદન તેમજ 15 હજારથી વધુ પાનાંના દસ્તાવેજી પુરાવા મૂકવામાં આવ્યા છે. આજે 25મી જુલાઈના રોજ રાજકોટ અગ્નિકાંડને 60 દિવસ પૂર્ણ થયા છે,
ક્રાઈમ બ્રાંચના ડીસીપીએ જણાવ્યું હતુ કે તપાસ દરમિયાન એવુ બહાર આવ્યું છે કે ટીઆરપી ગેમ ઝોનમાં મુખ્યત્વે વેલ્ડીંગ વખતે આગ લાગી હતી. ગેમ ઝોન બનાવવામાં મોટાપાયે પ્લાસ્ટીકના ફોમ શીટ, લાકડા સહિતના જવલનશીલ મટીરીયલનો ઉપયોગ થયો હતો. જેમાં ફોમશીટનો ઉપયોગ કુલીંગ વધારવા માટે થયો હતો. જેના કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી અને ત્રણ થી ચાર મિનિટમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તપાસ દરમિયાન ગેમઝોનમાંથી પેટ્રોલ-ડિઝલ જેવા જવલનશીલ પ્રવાહીની હાજરી મળી નથી.
રાજકોટ ગેમ ઝોનના મુખ્ય સંચાલક પ્રકાશ હિરનનું આગ દુર્ઘટનામાં જ મોત થયાનું બહાર આવ્યું છે. તેમના આર્થિક વ્યવહારોની તપાસ કરવામાં આવી છે. આ કેસમાં સીએની પણ નિમણુંક કરવામાં આવી હતી. જેમના દ્વારા ગેમ ઝોનના સંચાલકો સહિતના બેન્કીંગ વ્યવહારો, ટ્રાન્ઝેકશન, આઈટી અને જીએસટી રીર્ટન વગેરેના ઓડીટીંગ અને રીર્પોટીંગનું કામ હાલ ચાલુ છે. આ તમામ બાબતોનો પુરાવા તરીકે ઉપયોગ કરાશે.