ચૈત્રી નવરાત્રીને ધ્યાને લઈ પાવાગઢ અને અંબાજી મંદિરનાં સમયમાં ફેરફાર; જાણો વિગતો

અમદાવાદ: આગામી 30મીથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે અને આ સમય દરમિયાન શક્તિપીઠો અને માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટે છે. ચૈત્રી નવરાત્રી પર દર્શનાર્થીઓની ભીડને ધ્યાને લઈને પાવાગઢ અને અંબાજીમાં વિશેષ તૈયારી કરવામાં આવી છે.
અંબાજી મંદિરનાં સમયમાં ફેરફાર
પ્રાપ્ત વિગતો અનુસાર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ચૈત્રી નવરાત્રીનાં પ્રથમ નોરતે 30 માર્ચના રવિવારના રોજ સવારે સવા નવ કલાકે ઘટસ્થાપન કરવામાં આવશે. તેમજ સવારે આરતી 7 થી 7:30, દર્શન સવારે 7:30 થી 11:30, રાજભોગ બપોરે 12 કલાકે, દર્શન બપોર 12.30 થી 4.30, આરતી સાંજે 7 થી 7.30, દર્શન સાંજે 7.30 થી 9 વાગ્યા સુધીનો સમય રહેશે.
તે ઉપરાંત ચૈત્ર સુદ આઠમ 5 એપ્રિલનાં દિવસે આરતીનો સમય સવારે 6 વાગ્યાનો રહેશે. તેમજ ચૈત્ર સુદ પુનમ 12 એપ્રિલના રોજ આરતીનો સમય સવારે 6 વાગ્યાનો રહેશે. તેમજ 6 એપ્રિલથી મંદિરના દર્શન અને આરતીનો સમય રાબેતા મુજબ રહેશે.
આ પણ વાંચો: અંબાજી મંદિરની નવી વેબસાઇટ થઇ લોન્ચ, ઘરબેઠા મંદિરના ઉત્સવો માણી શકાશે
પાવાગઢ મંદિરનાં સમયમાં પણ ફેરફાર
ચૈત્રી નવરાત્રીને લઈને પાવાગઢ મંદિરનાં સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટનાં જણાવ્યા અનુસાર ચૈત્રી નવરાત્રીનાં પ્રથમ નોરતે 30 માર્ચનાં રોજ મંદિર સવારે ચાર વાગ્યે ખુલશે, તેમજ દર્શન સાંજે 8 વાગ્યે બંધ થશે. ચૈત્ર સુદ આઠમ 5 એપ્રિલ, ચૈત્ર સુદ નવમી 6 એપ્રિલ તેમજ ચૈત્ર સુદ પુનમ 12 એપ્રિલના રોજ મંદિર સવારે ચાર વાગ્યે ખૂલશે. તે સિવાયનાં દિવસોમાં મંદિર સવારે 5 ન કલાકે રાબેતા મુજબ ખુલશે.
આ પણ વાંચો: તસવીરની આરપાર : પાવાગઢ ડુંગર નીચે 400 વર્ષ જૂની ભૂગર્ભ કેનાલ પુન: જીવંત!