ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ: સોમનાથ અને દ્વારકાધીશ મંદિરના સમય બદલાયા, દર્શન-પૂજા અંગે મહત્વની જાહેરાત...
Top Newsઆપણું ગુજરાત

ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ: સોમનાથ અને દ્વારકાધીશ મંદિરના સમય બદલાયા, દર્શન-પૂજા અંગે મહત્વની જાહેરાત…

અમદાવાદ: ૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ ભાદરવી પૂનમના દિવસે થનારા ચંદ્રગ્રહણને કારણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર અને તેના સંલગ્ન મંદિરો તેમજ દ્વારકાના જગત મંદિરના સમય, દૈનિક પૂજા-વિધિમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

સોમનાથ અને તેના સલગ્ન મંદિરો આ દિવસે ફક્ત દર્શન માટે જ ખુલ્લા રહેશે, જ્યારે બપોર અને સાંજની પૂજા-આરતી સહિતના તમામ ધાર્મિક અનુષ્ઠાનો બંધ રહેશે.

સોમનાથ મંદિરના સમયમાં ફેરફાર
સોમનાથ ટ્રસ્ટ દ્વારા જારી કરાયેલી માહિતી મુજબ, ગ્રહણના સમયગાળા દરમિયાન મંદિરમાં થતી દૈનિક મહાપૂજા, સાંજની આરતી, ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા, સોમેશ્વર મહાપૂજન, યજ્ઞ, રુદ્રાભિષેક, અને અન્ય પાઠાત્મક અનુષ્ઠાનો સહિતની તમામ પૂજાઓ અને વિધિઓ બંધ રહેશે.

જોકે, શ્રદ્ધાળુઓ માટે મંદિરના દ્વાર ખુલ્લા રહેશે અને તેઓ દર્શન કરી શકશે. આ અંગેની વધુ વિગતો માટે સોમનાથ મંદિર ટ્રસ્ટની વેબસાઇટ અથવા સત્તાવાર ઘોષણાઓનું ધ્યાન રાખવું જરૂરી છે.

ગ્રહણનો સમયતારીખ સમય 
વેધ પ્રારંભ7-9-2025 સવારે 11:19 કલાકે 
ગ્રહણ સ્પર્શ7-9-2025 રાત્રે 08:10 કલાકે 
ગ્રહણ મધ્ય7-9-2025 રાત્રે 11:21 કલાકે
ગ્રહણ મોક્ષ 8-9-2025 મધ્યરાત્રિએ 02:05 કલાકે 

દ્વારકાધીશ મંદિરના સમયમાં ફેરફાર
ભાદરવી પૂનમના દિવસે થનારા ચંદ્રગ્રહણને કારણે દ્વારકાના જગત મંદિરના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. વહીવટદાર કચેરી, દ્વારકાધીશ મંદિર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર આગામી તા.૦૭/૦૯/૨૦૨૫ ને રવિવાર (પૂનમ)ના દિવસે “ચંદ્ર ગ્રહણ” હોવાથી શ્રી દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેની વિગતો નીચે મુજબ છે.

સવારે ૦૬:૦૦ વાગ્યે મંગલા આરતી
સવારના અન્ય ક્રમ નિત્ય ક્રમ મુજબ
બપોરે ૦૧:૩૦ વાગ્યે અનોસર(દર્શન બંધ)
સાંજે ચંદ્ર ગ્રહણ હોવાથી મંદિર બંધ રહેશે
તા.૦૮/૦૯/૨૦૨૫ને સોમવારના રોજ સવારે નિત્ય ક્રમ મુજબ મંદિર ખુલશે

ઉલ્લેખનીય છે કે હિન્દુ સંવત પ્રમાણે વર્ષનું પહેલું અને વર્ષ 2025 પ્રમાણે બીજુ ચંદ્રગ્રહણ આગામી સપ્ટેમ્બરમાં લાગવા જઈ રહ્યું છે. આ ખગોળીય ઘટના ભાદરવા માસની પૂર્ણિમાએ, એટલે કે 7 સપ્ટેમ્બરે, પિતૃપક્ષની શરૂઆત સાથે થશે. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રગ્રહણને ખૂબ મહત્વની ઘટના ગણવામાં આવે છે, અને આ ગ્રહણ ભારતમાં દૃશ્યમાન હશે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button