અમદાવાદમાં ચંડોળા તળાવને કાકરિયાનો ટચ અપાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેર મનપા દ્વારા કાકરિયા તળાવની જેમ જ ચંડોળા તળાવનો વિકાસ કરવામાં આવશે. જ્યાં ખંભાતી કૂવા, જેટી, વોક-વે, જંગલ જીમ સહિતના અનેક પ્રવાસન આકર્ષણો હશે. આ તળાવને વિકસાવવા માટે અંદાજે રૂ. ૨૪.૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી શકે છે.
અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈને જણાવ્યું હતું કે, ચંડોળા તળાવના વિકાસના કાર્યો શરૂ કરવા માટે પહેલા ત્યાંથી કાદવ દૂર કરવાની કામગીરી હાથ ધરવામા આવી રહી છે. તળાવમાં ગટરનું પાણી મિશ્રિત ન થાય એ માટે પાઇપલાઇન નાંખી ડ્રેનેજ સાથે કનેક્ટ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવનારી છે. પ્રોજેક્ટ અનુસાર તળાવની આસપાસ છોડ રોપવામાં આવશે અને એક લોન બનાવવામાં આવશે. લોકોને ચાલવા માટે બન્ને બાજુ તળાવની પાસે ત્રણ મીટર પહોળો એક વોક વે બનાવવામાં આવશે. તળાવમાં પાણીનું સ્તર જળવાઇ રહે એ માટે ૧૯ ખંભાતી કૂવાનું નિર્માણ કરવામાં આવશે. તેમજ તળાવની ફરતે છત્રી જેવું માળખું બનાવાશે જેથી મુલકાતીઓ ત્યાં બેસી શકે. આ ઉપરાંત બાળકો માટે જંગલ જિમ બનાવવામાં આવશે. તેમજ એક પ્લોટમાં શેડ ઊભો કરવામાં આવશે. જ્યાં કોઇ ઇવેન્ટ કે એક્ઝિબિશનનું આયોજન કરવું હોય તો કરી શકાય. ઉપરાંત ઇવેન્ટ રૂમ, ચેન્જિંગ રૂમ અને કિચન જેવી સુવિધા હશે. કાકરિયાની જેમ અહી પણ એક નાની જેટી મુકવામાં આવશે. તળાવની આસપાસ પ્લાન્ટેશનની કામગીરી કરવામાં આવશે જેથી પક્ષીઓ ત્યાં આવી શકે.