આપણું ગુજરાત

આજે ચાંદની પડવો, સુરતમાં સોનાની ઘારીનો ટ્રેન્ડ: વિદેશથી પણ આવે છે ઓર્ડર

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરતમાં ચાંદની પડવો(ચંડી પડવો)ના દિવસે ઘારી ખાવાની પરંપરા છે. વિશ્ર્વમાં એકમાત્ર સુરત એવું શહેર છે, જે ચાંદની પડવોના દિવસે સૌથી અલગ એવી મીઠાઈ ઘારી બનાવે છે અને એનું આ શહેરમાં ધૂમ વેચાણ થતું હોય છે. ઘારીની શોધ સુરતથી દાયકાઓ પહેલાં થઈ છે, જોકે આજે વિશ્ર્વભરની વ્યક્તિઓ માટે આ ઘારી પહેલી પસંદ બની છે.

ડ્રાયફ્રૂટ્સ અને શુદ્ધ ઘીની ઘારી ખાવા માટે સુરતીઓ જાણીતા છે. સુરત ઔદ્યોગિક નગરી છે અને એને કારણે સુરતમાં કોર્પોરેટ કલ્ચર પણ ખૂબ મોટા પ્રમાણમાં વિકસ્યું છે. સુરતમાં મોટા કોર્પોરેટ જગત સાથે જોડાયેલા લોકોને સોનાની ઘારી આપવાની અનોખી પરંપરા પણ શરૂ થઈ છે. એક બોક્સમાં માત્ર ૩ ઘારીના પીસ મૂકવામાં આવતા હોય છે.

છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી આ ઘારીના ક્રેઝમાં વધારો થયો છે. સુરતમાં બનતી ઘારી વિશ્ર્વભરમાં પ્રખ્યાત છે. જેમણે વિદેશમાં પોતાની કર્મભૂમિ બનાવી છે તેઓ પણ ચાંદની પડવો પહેલાં જ વિદેશથી અહીં ઓર્ડર આપીને ઘારી મંગાવી લેતા હોય છે અને અચૂક ખાતા હોય છે.

શુદ્ધ ઘી, અલગ-અલગ પ્રકારનાં બદામ-પિસ્તાં સહિતના ડ્રાયફ્રૂટ્સ, ઇલાયચીનું મિશ્રણ એ અલગ જ પ્રકારનો સ્વાદ આપે છે. શિયાળાની શરૂઆત પહેલાં જ ઘારી ખાવાનું ચલણ છે, જેથી કરીને શરીરમાં ગરમી જળવાઈ રહે અને બદલાતી આબોહવાની અસર શરીર પર વધુ પડતી ન થાય એવું ઘારીના એક વેપારીએ
જણાવ્યું હતું.

સુરતના ઘારીના વેપારીએ જણાવ્યું હતું કે શહેરમાં દર વર્ષે ઘારીના વેચાણમાં સતત વધારો થતો રહ્યો છે. અમારી પાંચમી પેઢી આ ઘારી બનાવવા માટે કામ કરે છે. દર વખતે કંઈક ને કંઈક અવનવું ઘારીમાં બદલાવ લાવવાનો અને સુરતીઓને નવો સ્વાદ આપવાનો અમે પ્રયાસ કરીએ છીએ. વિદેશમાં પણ અમારા ત્યાંથી ખૂબ મોટા પ્રમાણમાં ઘારી એક્સપોર્ટ કરવામાં આવે છે. ગોલ્ડન ઘારીનું વેચાણ અમારે ત્યાં થાય છે, જેમાં ઘારી ઉપર સોનાનો વરખ લગાડવામાં આવે છે. કોર્પોરેટ કલ્ચરમાં આ ઘારીની ડિમાન્ડ વધુ જોવા મળે છે. સુમુલ ડેરીના માર્કેટિંગ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે સુમુલ ડેરી દર વખતે ખૂબ જ મોટા પ્રમાણમાં ઘારી બનાવીને એનું વેચાણ કરે છે. સુમુલ ડેરીનું પોતાનું ઘી અને માવો હોવાને કારણે કોઈપણ જાતના ભેળસેળ વગર જ આ ઘારી બને છે તેમજ અન્ય ચીજવસ્તુઓ પણ અમે જે લાવીએ એનું પરીક્ષણ અમારી લેબોરેટરીમાં જ કરી લઈએ છીએ. આ વખતે ઘારી અને ભૂંસાના ભાવમાં નજીવો વધારો થયો છે. સુરતીઓને સ્વાસ્થ્યવર્ધક ઘારી ખવડાવવાનો અમે પ્રયાસ દર વર્ષે કરીએ છીએ એમ તેમણે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button