ગુજરાતમાં વકરતો Chandipura virus, 61 શંકાસ્પદ કેસ, 21ના મોત

અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ વકરી રહ્યો છે. જેમાં અત્યાર સુધી 21 જિલ્લામાં ચાંદીપુરા વાયરસે પગપેસારો કર્યો છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 61 કેસ નોંધાયા છે અત્યાર સુધી 21 બાળકોના મોત થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં ત્રણ બાળકોના મોત, પંચમહાલ, મોરબીમાં બે-બે બાળકોના મોત, મહીસાગર, મહેસાણામાં એક-એક બાળકનું મોત, સુરેન્દ્રનગર, ગાંધીનગરમાં એક-એક બાળકનું મોત, દાહોદમાં બે, દ્વારકામાં એક બાળકનું મોત, ગાંધીનગર કોર્પોરેશનમાં એક બાળકનું મોત, સાબરકાંઠામાં ચાદીપુરાથી એક દર્દીનું મોત, અરવલ્લી અને રાજકોટમાં બે-બે બાળકોના મોત, અને રાજસ્થાનના એક બાળકનું પણ મોત થયુ છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાઓની સમીક્ષા કરી હતી. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ બેઠકમાં મુખ્યપ્રધાને રાજ્યના મનપા કમિશનરો, જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાની કામગીરીની વિગતો મેળવી હતી.
ચાંદીપુરા વાયરસના લક્ષણો
ચાંદીપુરા વાયરસના ચેપના પ્રથમ દિવસે બાળકને હાઈગ્રેડ તાવ એટલે કે બહુ જ ભારે માત્રામાં તાવ આવે છે.101 થી 103 ડિગ્રી સુધી આ તાવ રહેતો હોય છે. બીજા દિવસે બાળકને ખેચ આવાની શકયતાઓ રહેલી છે. ત્રીજા દિવસે બાળક કોમાંમા જતુ રહે તેવી સ્થિતિનું સર્જન થાય છે તો અમુક બાળકો કોમામાં પણ જતા રહે છે. 48 થી 72 કલાકમાં આ વાયરસ એકદમ સિવિયર રીતે અસર કરે છે અને દર્દી મોતને ભેટે છે.
સૌથી પહેલા સાબરકાંઠા અને અરવલ્લીમાં વાયરસ દેખાયો
ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસના સૌથી વધુ કેસ નોંધાયા છે.જિલ્લાની હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં પણ એક જ વાયરસથી સંક્રમિત બે બાળકોની સારવાર ચાલી રહી છે. હાલ સ્થિતિ ચિંતાજનક છે અને આ વાયરસ વિશે વધુ વિગતો એકત્રિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.