ગુજરાતમાં Chandipura virus ના કુલ 84 કેસ, મૃત્યુઆંક 32 થયો

અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ(Chandipura virus)વકરી રહ્યો છે. જેમાં ચાંદીપુરાના વધુ નવા 13 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 84 થઈ ગઈ છે અને તેમાંથી હાલ નવ કેસ પોઝિટિવ છે જ્યારે અન્યના સેમ્પલના પરિણામ આવવાના બાકી છે. વધુ પાંચ દર્દીના શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુ થયા છે. આ સાથે જ મૃત્યુઆંક વધીને 32 પર પહોચી ગયો છે.
ગુજરાતમાં વાયરલ એન્કેફેલાઈટિસના કુલ 84 કેસમાંથી અમદાવાદ કોર્પોરેશન, અરવલ્લી, બનાસકાંઠામાંથી બે જ્યારે સુરેન્દ્રનગર-ગાંધીનગર કોર્પોરેશન-ખેડા-મહેસાણા- નર્મદા-વડોદરા કોર્પોરેશન-રાજકોટ કોર્પોરેશનમાંથી એક-એક કેસ નોંધાયા હતા. હાલની આ સ્થિતિ પ્રમાણે પંચમહાલમાંથી સૌથી વધુ 11, સાબરકાંઠામાંથી આઠ, અમદાવાદ શહેરમાંથી છ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. અત્યાર સુધી અરવલ્લી-મહેસાણામાંથી બે-બે જ્યારે ગાંધીનગર- પંચમહાલ, મોરબી, વડોદરામાંથી એક-એક પોઝિટિવ કેસ મળી આવ્યા છે.
હવે ચાંદીપુરાના શંકાસ્પદ કેસનું ગાંધીનગરમાં જ પરીક્ષણ થશે. જેના પગલે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ છે કે નેગેટિવ તે ઝડપથી જાણી શકાશે. રવિવારે બનાસકાંઠામાંથી બે જ્યારે મહીસાગર-ખેડા-બનાસકાંઠા-વડોદરા શહેરમાંથી એક-એક દર્દીના મૃત્યુ થયા છે. ગુજરાતના વાયરલ એન્કેફેલાઇટિસના 46 દર્દીઓ દાખલ છે અને એક દર્દીને રજા અપાઈ છે.
| Also Read: ગુજરાતમાં Chandipura virus બેકાબૂ, 27 બાળકોનાં મોત, 71 શંકાસ્પદ કેસ નોંધાયા
સુરતના સચિન વિસ્તારમાં રહેતી 12 વર્ષની બાળકી શંકાસ્પદ ચાંદીપુરામાં સપડાતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે. સુરતમાં આ પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્યતંત્ર દોડતું થયું હતુ.
અમદાવાદ સિવિલમાં એક બાળકનું મોત, એક બાળક વેન્ટિલેટર પર
અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાથી એક બાળકનું મોત થયું છે. પાલનપુરની બાળકીને પહેલા સરકારી અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. પરંતુ સ્થિતિમાં સુધારો ના થતાં અમદાવાદની સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. તેને દાખલ કરવામાં આવી ત્યારે તે વેન્ટિલેટર પર હતી. અત્યાર સુધી સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરાથી પાંચ બાળકોના મૃત્યુ થયા છે.