Chaitar Vasava: ચૈતર વસાવાની ઓફિસ બહાર હેડ કોન્સટેબલે નશાની હાલતમાં હોબાળો મચાવ્યો

અમદાવાદઃ ગુજરાતમાં દારૂ બંધીના અમલના દવાઓ કરવામાં આવી રહય છે, ત્યારે નર્મદા જિલ્લામાં ડેડિયાપાડાના વિધાનસભ્ય ચૈતર વસાવા(Chaitar Vasava)ના કાર્યાલય નજીક એક ટ્રાફિક-પોલીસના હેડ કોન્સ્ટેબલે દારૂના નશામાં હોબાળો મચાવ્યો હતો. ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ચિક્કાર નશામાં ચૈતર વસાવાના કાર્યાલયના શટર પર લઘુશંકા કરી ગાળો બોલતો હોવાનો આરોપ છે, આ અંગે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવામાં આવી છે.
આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વિધાનસભ્ય ચૈતર વસાવા પણ ડેડિયાપાડા પોલીસ મથકે દોડી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી રાજપીપળાનું રાજકરણ ગરમાયું છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ચૈતર વસાવાના સહયોગી જગદીશ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ એકતાનગર ટ્રાફિક-પોલીસના હેડ કોન્સ્ટેબલ પ્રદીપ વસાવાએ ગતરાત્રે ડેડિયાપાડાના લીમડાચોક વિસ્તારમાં આવેલા ચૈતર વસાવાના કાર્યાલયે ચિક્કાર નશાની હાલતમાં પેશાબ કરી ચૈતર વસાવા અને તેમનાં પરિવારજનોને બિભત્સ શબ્દો કહ્યા હતા. લોકો એકઠા એકઠા થઇ જતા કોન્સ્ટેબલ ત્યાંથી ભાગવા લાગ્યો હતો.
આ સમગ્ર બાબતે ડેડિયાપાડા પોલીસને જાણ કરતાં પોલીસે નશામાં ધૂત પ્રદીપ વસાવાને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. પ્રદીપ અમરસિંહ વસાવાએ ડેડિયાપાડા પોલીસ મથકમાં પણ બુમો પાડી હતી. પોલીસે તેને કાબૂમાં લઈ જેલહવાલે કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસે પહેલાં ડેડિયાપાડા ખાતે ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડા વિધાનસભ્ય ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં બબાલ થઇ હતી. એ બાદ ચૈતર વસાવાએ ડીવાય એસપી. લોકેશ યાદવને ફરિયાદ કરી હતી આ ઉપરાંત ત્રણ દિવસ પહેલાં નર્મદા જિલ્લાના સાગબારા ખાતે PSI સહિત અન્ય પોલીસ સ્ટાફ દ્વારા ઢોરમાર માર્યો હોવાનો આક્ષેપ આદિવસી યુવાનોએ લગાવ્યો હતો. આ મામલે યુવાનોએ જિલ્લા પોલીસવડાને લેખિત રજૂઆત પણ કરી હતી, એમ છતાં કોઈ કાર્યવાહી કરાઈ ન હોવાનો આક્ષેપ ચૈતર વસાવાએ કર્યો હતો.