બુટલેગર સાથે નાચવા મામલે ચૈતર વસાવાએ કરી ચોખવટ; બદનામ કરવાનો પેંતરો…

અમદાવાદ: છોટાઉદેપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં સુરત ખાતે લગ્ન પ્રસંગમાં ચૈતર વસાવા બુટલેગર સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. જો કે આ વિડિયો વાયરલ થતા ચૈતર વસાવાએ સ્પષ્ટતા કરી હતી. તેમણે ભાજપ પર બદનામ કરવાનો આક્ષેપ મૂક્યો હતો.
બુટલેગર સાથે ચૈતર વસાવા નાચ્યા હોવાનો દાવો
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતમાં આયોજિત એક લગ્નમાં ચૈતર વસાવાએ હાજરી આપી હતી. અમરોલી ખાતે આયોજિત સાથી મિત્રની બહેનનાં લગ્નમાં ચૈતર વસાવાએ હાજરી આપી હતી. આ દરમિયાન ચૈતર વસાવા અન્ય એક શખ્સ સાથે ડાન્સ કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. તે શખ્સ બુટલેગર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હોય તે વીડિયો અંગે ચૈતર વસાવાએ સ્પષ્ટતા કરી હતી.
આ પણ વાંચો: રાજપીપળાની બોગસ Nursing College પર કાર્યવાહીની ધારાસભ્ય ચૈતર વસાવાની ઉગ્ર માગ
ચૈતર વસાવાની સ્પષ્ટતા
આ અંગે સ્પષ્ટતા કરીને ચૈતર વસાવાએ કહ્યું કે કે તે વ્યક્તિ સાથે તેને કોઇ સબંધ નથી અને તેઓ તેને ઓળખતા પણ નથી. લગ્ન સમારંભમાં ઘણા લોકો નાચી રહ્યા હતા તે દરમિયાન આ વ્યક્તિ તેમની સાથે ડાન્સમાં જોડાઈ ગયો હતો. તે વ્યક્તિની ઓળખથી તેઓ અજાણ છે. તેમણે કહ્યું હતું કે અમે હંમેશા દારૂબંધીની હિમાયત કરતાં આવ્યા છીએ અને દારૂના ધંધામાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિનો વિરોધ કરી છીએ છે.
આ પણ વાંચો: Chaitar Vasava: ચૈતર વસાવાની ઓફિસ બહાર હેડ કોન્સટેબલે નશાની હાલતમાં હોબાળો મચાવ્યો
ભાજપનો કાર્યકર જ બુટલેગર
આ મામલે તેમણે ટ્વીટરમાં રિપોસ્ટ કરીને ભાજપ પર આક્ષેપ કર્યા હતા. તેમણે આ વીડિયો વાયરલ કરવા પાછળ ભાજપનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે ભાજપે ગુજરાતના AAP ધારાસભ્ય ચૈતર વસાવાની સામે જુઠ્ઠાણું ફેલાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા પણ આખરે એક સક્રિય ભાજપ કાર્યકર જ બુટલેગર નીકળ્યો!