ડેડીયાપાડાના આપના ધારસભ્ય ચૈતર વસાવાની અટકાયત પર કેજરીવાલે શું કહ્યું?

અમદાવાદઃ ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે યોજાયેલી આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક દરમિયાન ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે મારામારી થઈ હોવાના અહેવાલો સામે આવ્યા હતા. સંજય વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા પર મોબાઈલ ફોન અને કાચનો ગ્લાસ ફેંકવા, લાફા ઝીંકવા અને ગોળી મારી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. જેને લઈ તેની અટકાયત કરવામાં આવી હતી.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત પર અરવિંદ કેજરીવાલે પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, જો તેમને લાગતું હોય કે આ પ્રકારની ધરપકડથી આપ ડરી જશે તો આ તેમની સૌથી મોટી ભૂલ છે.
આજે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતા વચ્ચે ઘર્ષણ થયું હતું. ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના તાલુકા સંકલન સમિતિની બેઠક દરમિયાન બની હતી.
આપના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને લાફા ઝીંકવામાં આવ્યા હોવાનું ખુદ સંજય વસાવાએ સ્વીકાર્યું હતું. આ ઘટના પાછળનું કારણ ધારાસભ્ય દ્વારા સાગબારા તાલુકાના પ્રમુખ ચંપાબેન વસાવાને અપશબ્દો બોલવામાં આવ્યા હતા. જ્યારે સંજય વસાવા આ મામલે વચમાં પડ્યા, ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમને લાફા મારી દીધા હતા તેવો આક્ષેપ કરાઈ રહ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ મહિલા પ્રમુખને કથિત રીતે એમ પણ કહ્યું હતું કે, અમે કહીએ તે પ્રમાણે કામ કરવાનું, હું ધારાસભ્ય છું. આ ઘટનાને પગલે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી હતી.