આપણું ગુજરાત

એશિયાઈ સિંહોના રક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય: 196 ગામોનો ઇકો-સેન્સિટિવ ઝોનમાં સમાવેશ

ગાંધીનગર: ગુજરાતના ગૌરવ સમાન ‘એશિયાઈ સિંહ’ વર્ષોથી એશિયા ખંડમાં માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારના ‘ગીર રક્ષિત વિસ્તાર’માં વસવાટ કરતા જોવા મળે છે ત્યારે આ સિંહો તેમજ વન્ય પ્રાણીઓના જતન તેમજ એશિયાઈ સિંહોના રક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્ર સરકાર દ્વારા ‘ગીર રક્ષિત વિસ્તાર’ના આજુબાજુનો કુલ 1, 84, 466, 20 હેક્ટર વિસ્તારને ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે.

વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે સરકારના જાહેરનામા મુજબ અભયારણ્યથી જાહેર થયેલ ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્તારનું અંતર બાબતે સૌથી ઓછામાં ઓછુ 2.78 કિ.મી. અને વધુમાં વધુ 9.50 કિ.મી. રાખવામાં આવ્યું છે. નવીન ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ વિસ્તારમાં કુલ 17 નદીઓના રીવર કોરીડોર અને સિંહોના અવર-જવર વાળા ૪ મહત્વના કોરીડોરને આવરી લેવામાં આવશે.

ત્રણ જિલ્લાના 196 ગામનો સમાવેશ:
વધુમાં ગીર રક્ષીત વિસ્તારની આજુબાજુ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, વિસાવદર, માળીયા હાટીના અને મેંદરડા તાલુકાના મળી કુલ-૫૯ ગામો, અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મળી કુલ-72 ગામો તથા ગીર-સોમનાથ જિલ્લાના ઉના, ગીર-સોમનાથ, કોડીનાર અને તાલાલા તાલુકાના મળી કુલ-65 ગામો એમ આ ત્રણેય જિલ્લાના કુલ-196 ગામોના 24,680.32 હેક્ટર વન વિસ્તાર તથા 1,59,785.88 હેક્ટર બિન-જંગલ વિસ્તાર એમ મળી કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે.

આ વિસ્તારનો ઇકો-સેન્સિટિવ ઝોનમાં સમાવેશ થવાથી આ વિસ્તારમાં વિહરતા સિંહ પરિવારોને વિશેષ રક્ષણની સાથે અત્યાર સુધી ગીર રક્ષીત વિસ્તારની હદથી 10 કિલોમીટરની ઇકો-સેન્સીટીવ ઝોન વિસ્તારની હદમાં આ નવા ઇકો-સેન્સીટીવ ઝોનમાં ઘટાડો થવાથી સ્થાનિકે અન્ય વિકાસલક્ષી પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં સિંહ અને વન્યપ્રાણીઓ માટે ગીર નેશનલ પાર્ક, ગીર, પાણિયા અને મિતિયાળા અભયારણ્યનો કુલ-1468.16 ચો.કિ.મી. વિસ્તાર આરક્ષિત કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર અને નામદાર સુપ્રિમકોર્ટની ગાઇડલાઇન-નિયમ મુજબ આ રક્ષિત વિસ્તારની ફરતે ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર કરવાનો થતો હોય છે, જે રક્ષિત વિસ્તારને ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર ન થાય ત્યાં સુધી ગાઇડલાઇન મુજબ રક્ષિત વિસ્તારની ફરતે 10 કિ.મી. ઇકો-સેન્સિટિવ ઝોન અમલમાં રહે છે.

જેથી અત્યાર સુધી આ વિસ્તારને ફરતે 10 કિ.મી. સુધી ઇકો-સેન્સિટિવ ઝોન અમલમાં હતો. સિંહોના રક્ષણ માટે ગીર નેશનલ પાર્ક, ગીર, પાણિયા અને મિતિયાળા અભયારણ્યના ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવાની રાજ્યના વન વિભાગ દ્વારા કેન્દ્ર સરકારને દરખાસ્ત કરવામાં આવેલ હતી. આ દરખાસ્તને ગ્રાહ્ય રાખી ભારત સરકાર દ્વારા તાજેતરમાં ઇકો-સેન્સિટિવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગીર રક્ષિત વિસ્તારની ફરતે આવેલા ગામોમાં છેલ્લા 10 વર્ષોની સિંહોની અવર-જવરની રેડિયો કોલર આધારીત વિગતો, સિંહ દ્વારા કરવામાં આવતા મારણ, સિંહોના અવર-જવરના મહત્વના કોરીડોર તથા રીવર કોરીડોર જેવા વિસ્તારને આવરી લઇ ગીર રક્ષિત વિસ્તારને નવો ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button