
ભુજ: લુપ્ત થવાની કગારે પહોંચેલા ‘ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ’ એટલે કે, ઘોરાડ પક્ષીને બચાવવા ચાલી રહેલા પ્રયાસ અંતર્ગત દેશની સર્વોચ્ચ અદાલતના આદેશના પગલે પ્રદેશ કચ્છના ઘોરાડ અભ્યારણની કેન્દ્રીય ટીમ મલાકાતે આવી પહોંચી છે.
પશ્ચિમ કાંઠાના અબડાસા અને માંડવીના ર૧ ગામોના ઈકો સેન્સિટીવ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલા વિસ્તારોમાં સ્થાનિક વન વિભાગના અધિકારીઓ, વીજ વિભાગ અને ગેટકોના અધિકારીઓ સાથે અબડાસા તાલુકાના અભ્યારણમાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોની આ ટુકડીએ મુલાકાત લીધી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ દેશની સર્વોચ્ચ અદાલતે ઘોરાડ અભ્યારણમાંથી પસાર થતી તમામ વીજલાઈનોને ભુગર્ભમાં પાથરવાના આદેશ કર્યા હતા. અંદાજીત ત્રણ કરોડના ખર્ચે ૩પ૦૦ કિલોમીટરના હાઈ ટેંશન વીજતારોને ભુગર્ભમાં મુકવાનો રહી રહીને પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો છે.

આ ઉપરાંત પાંચ લાખ ડાયવર્ટર્સ લગાવવાનું પણ આયોજન કરાયું છે.અબડાસા તાલુકાના જખૌ સ્થિત પોઈન્ટ રપ૧ અને આસપાસના વિસ્તારોમાં મિનિસ્ટ્રી ઓફ એનર્જીના સંયુક્ત સચિવ બોહરા, વનવિભાગના નિરંજન વાસુ, ડો.દેવેશ ગઢવી સહિતના ૧૧ તજજ્ઞો સાથેની ટુકડીએ સ્થળ તપાસ કરી હતી. જો કે, આ ટુકડીથી ઇરાદાપૂર્વક સ્થાનિકોને દૂર રાખવામાં આવ્યા હોવાનો ગણગણાટ અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સંભળાયો હતો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, અબડાસાના લાલા, બુડિયા ગામે આ અભ્યારણને અડીને સરકારની ગાઈડલાઈનને નેવે મુકીને ખડકી દેવામાં આવેલી પવન ચક્કીઓની મંજુરી અપાઈ હોવા મુદ્દે સ્થાનીક જાગૃત ગ્રામજનો દ્વારા કેન્દ્રીય ટીમ સમક્ષ રજુઆતનો તખ્તો ઘડવામાં આવ્યો હતો. પરંતુ આ ટીમના સચોટ લોકેશનની માહિતી ઇરાદાપૂર્વક છુપાવાઈ હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે.
કચ્છના અબડાસા અને માંડવીના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનચક્કીઓ અને ઉદ્યોગો સામે સમયાંતરે ફરિયાદો ઉઠે છે. આડેધડ ઉભી કરવામાં આવેલી પવનચક્કીઓના કારણે લુપ્ત થવાની કગારે પહોંચેલા રક્ષિત પક્ષી ઘોરાડ, રાષ્ટ્રીય પક્ષી મોર સહીત ૩૦ જેટલી મહત્વપૂર્ણ વન્યજીવ પ્રજાતિઓના મોતના બનાવો લગભગ દરરોજ સામે આવી રહ્યા છે.
ગુજરાત રાજ્ય વનવિભાગની વર્ષોથી રહેલી ઢીલી નીતિ અને યોગ્ય સમયે ન લેવાયેલા નિર્ણયના કારણે વર્ષ ૨૦૦૭માં ૪૮ ઘોરાડ પક્ષી હતા, તે આજે ઘટીને માત્ર ચાર ઘોરાડ થઇ ગયા છે. એ પણ માત્ર માદા ઘોરાડ બચ્યા છે.
Also Read – ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં આવું હવામાન રહેશે, આ શહેર સૌથી ઠંડુ
ભારતમાં કચ્છ જ એક માત્ર સ્થળ છે, જ્યાં બસ્ટર્ડ પરિવારના ત્રણ પક્ષીઓ ઘોરાડ, ખડમોર અને હુબારા સાથે જોવા મળે છે. હાલ સ્થિતિ એવી છે કે, ઘોરાડ પક્ષી વિલુપ્તીના આરે ઉભું છે. ન માત્ર ઘોરાડ, પણ જો વીજલાઇન અંડરગ્રાઉન્ડ અથવા યોગ્ય નિર્ણય નહિ લેવાય તો અહીંની અન્ય 30 વન્યજીવોનો પ્રજાતિ પણ મોતના મુખ્યમાં ધકેલાઈ જાય તેવી સ્થિતિ છે. સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા ઘોરાડ પક્ષી બાબતે નિયુક્ત સમિતિના નિષ્ણાતો ભુજમાં મંથન કરશે, ત્યારે આ પક્ષીઓનું ભવિષ્ય તેમના હાથમાં છે.