આપણું ગુજરાત

Gujarat ના 23 વર્ષના વિકાસ યાત્રાની ઉજવણી, 7 થી 15 ઓકટોબર સુધી વિકાસ સપ્તાહ ઉજવાશે

ગાંધીનગર : ગુજરાતના(Gujarat)મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકના નિર્ણયની જાહેરાત કરતાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં વિકાસની રાજનીતિનો નવો અધ્યાય રચાયો છે. 7 ઓક્ટોબર 2024ના રોજ તેમના માર્ગદર્શનમાં રાજ્યની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.

રાજ્યમાં જનભાગીદારી જોડીને વિવિધ આયોજનો
તેમજ વર્ષ 2001માં 7 ઓક્ટોબરે નરેન્દ્ર મોદીએ રાજ્યના 14માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી અત્યાર સુધીની 23 વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા દર વર્ષે 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે. આ વિકાસ સપ્તાહ દરમિયાન સમગ્ર રાજ્યમાં જનભાગીદારી જોડીને વિવિધ આયોજનો હાથ ધરાશે

પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન જે વિવિધલક્ષી કાર્યક્રમો રાજયભરમાં યોજાવાના છે તેમાં જે-તે સ્થળના સ્થાનિક કલાકારોની પ્રસ્તુતિના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત ‘વિકાસ સપ્તાહ’ હેશટેગ સાથે સોશિયલ અને ડિજિટલ મીડિયા પર નાગરિકો નરેન્દ્ર મોદીની સુશાસન પહેલો અને તેની સમાજ જીવન પર અસરો અંગેના અનુભવો શેર કરી શકશે.

નરેન્દ્ર મોદીના મહત્વપૂર્ણ યોગદાનથી લોકોને સુપરિચિત કરાશે.
ગુજરાતમાં નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં 23 વર્ષના સુશાસનમાં વિકાસ કામોથી પ્રસિદ્ધ એવા વિવિધ જિલ્લાઓ-શહેરોના 23 જેટલા આઈકોનિક પ્લેસ પર વિકાસ પદયાત્રા દ્વારા રાજ્યના વિકાસમાં નરેન્દ્ર મોદીના મહત્વપૂર્ણ યોગદાનથી લોકોને સુપરિચિત કરાશે.

આ પણ વાંચો : ગાંધીનગરની રવિવારની કેબિનેટમાં શું…. શું ? જે અમિત શાહ કહી ગયા છે તે બધ્ધું જ

વિકાસ પદયાત્રા યોજાશે
આરોગ્યમંત્રીએ આ સંદર્ભમાં જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતી રિવરફ્રન્ટ, સુરત ડાયમન્ડ બુર્સ, નડાબેટ, પાવાગઢ, શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ, સ્મૃતિવન, અંબાજી, દ્વારકા સુદર્શન બ્રિજ અને પાલ દઢવાવના આદિવાસી શહીદ સ્મારક સહિતના સ્થળોઓએ આવી વિકાસ પદયાત્રા યોજાશે.

તેમણે વધુમાં કહ્યું કે, આ વિકાસ સપ્તાહમાં વિદ્યાર્થીઓ અને યુવા શક્તિને પણ જોડવાના બહુઆયામી આયોજનો અંતર્ગત શાળા-કોલેજોમાં વિકાસ થીમ આધારિત નિબંધ સ્પર્ધાઓ પણ યોજાશે. એટલું જ નહિ, વિકાસમાં લોકોની સહભાગિતા માટે ભારત વિકાસ પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

ખાતમુહૂર્ત પણ આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન કરવામાં આવશે
રાજ્યના પ્રખ્યાત જાહેર સ્થળોની દિવાલો પર વૉલ પેઈન્ટિંગથી 23 વર્ષની વિવિધ ક્ષેત્રોની વિકાસયાત્રાની ઝાંખી પ્રસ્તુત કરાશે. આ ઉપરાંત રાજ્યના મહત્વપૂર્ણ વિકાસ સ્થળોનું સુશોભન અને લાઈટીંગ પણ કરવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર રાજયમાં રૂપિયા ત્રણ હજાર પાંચસો કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન કરવામાં આવશે.

પોષણ અને આરોગ્ય દિવસની ઉજવણી કરાશે
તેમણે વિકાસ સપ્તાહ વિશે વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની થીમ આધારિત દિવસોની ઉજવણી સહિતના આયોજનો પણ કરવામાં આવશે. તેમાં યુવા સશક્તિકરણ દિવસ, સુશાસન દિવસ, ઉદ્યોગ સાહસિકતા દિવસ તથા પોષણ અને આરોગ્ય દિવસની ઉજવણી કરાશે.

એક સમયે અપૂરતી વીજળી, પાણીની તીવ્ર અછત, પૂરતી આરોગ્ય સેવાઓનો અભાવ, કન્યા શિક્ષણનું ઓછું પ્રમાણ – આવા જે અનેક પડકારો હતા તેને તકમાં પલટવાના સામર્થ્યનું ગુજરાત અને ગુજરાતીઓમાં નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં સિંચન થયું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button