Gujarat માં નડાબેટ ખાતે International Yoga Day ની ઉજવણી, યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા સીએમની અપીલ
અમદાવાદ : સમગ્ર વિશ્વમા આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની(International Yoga Day 2024) ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના(Gujarat) બનાસકાંઠાના નડાબેટમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં નડાબેટમાં રાજ્ય સરકાર અને BSFના સહ આયોજનથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિવિધ યોગાસનો કરી યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા ગુજરાતના લોકોને અપીલ કરી.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામના
સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે દિવસની શરૂઆત યોગથી થાય એનાથી વધુ સુંદર, શાંતિદાયક અને સ્વાસ્થ્યપ્રદ બીજું શું હોય? આપણે સૌ યોગને રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો બનાવીએ, જીવનને યોગમય બનાવીએ. યોગ થકી ઉત્તમ મનુષ્ય, ઉત્તમ સમાજ, ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ કરીએ. સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામના.
બીએસએફના જવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા
જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, બીએસએફના જવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજના યુગમાં તણાવમુક્ત અને સરળ જીવન શૈલી માટે યોગ ઉત્તમ કહેવાય છે. યોગ પ્રાચીન ભારતના ઋષિમુનિઓએ આપેલી અમૂલ્ય ભેટ છે. આશરે પાંચ હજાર વર્ષ પહેલા પતાંજલિ ઋષિએ યોગ શાસ્ત્રનું સર્જન કર્યું હતું. ત્યારથી યોગની પરંપરા ચાલી આવે છે.
નાગરિકો સાથે લોક સંવાદ કર્યો
અત્રે ઉલ્લેખનીય છે કે યોગ દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે જ સાંજે બનાસકાંઠા જિલ્લાના થરાદ પહોંચી ગયા હતા. અહીંના વડગામડા ગામ ખાતે નાગરિકો સાથે લોક સંવાદ કરી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. લોકોએ અહીં જમીન રિ સર્વે, પાણી, રસ્તા, શિક્ષણ અને સિંચાઈ જેવા મુદ્દા રજૂ કર્યા હતા. મુખ્યપ્રધાનએ તેનું નિરાકરણ લાવવા વાયદો આપ્યો હતો.