
અમદાવાદ : ગુજરાતમાં ગુરુપૂર્ણિમાની(Guru Purnima) ઉજવણી થઇ રહી છે. ત્યારે વહેલી સવારથી જ સોમનાથ, ડાકોર સહિતના મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જામી છે. આજે ગુરુ પૂર્ણિમાએ ડાકોરના ઠાકોરના દર્શને ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ‘કૃષ્ણમ વંદે જગતગુરુ’ના મંગળા આરતીના દર્શન કરી ભક્તો ધન્ય થયા હતા.
ગુરુપૂર્ણિમાએ મંગળા આરતીના દર્શનનો લાભ ભક્તોએ લીધો
ગુરુપૂર્ણિમાએ ડાકોરના ઠાકોરની મંગળા આરતીના દર્શનનો લાહવો હજારોની સંખ્યામાં ભક્તોએ લીધો હતો. એટલું જ નહીં પરંતુ મોડી રાતથી દર્શન માટે રાહ જોઈને આતુર ભક્તોએ સવારે 5:15 ના અરસામાં મંગળા આરતીના દર્શન કર્યા હતા. આ સાથે સાથે પગપાળા આવી પહોંચેલા ભક્તોનો થાક દર્શન કરતા જ ઉત્સાહમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો મંદિરમાં દેખાયા હતા. વહેલી સવારથી ‘જય રણછોડ માખણ ચોર’ના નાદ થી ડાકોરની ગલીઓ ગુંજી ઉઠી હતી.
ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય
આજે અષાઢી પૂર્ણિમા છે. આ દિવસને સદીઓથી ગુરૂ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. 3000 વર્ષ પૂર્વે અષાઢ શુક્લ પૂર્ણિમાના દિવસે મહાભારતના લેખક વેદ વ્યાસનો જન્મ થયો હતો. વેદ વ્યાસ જીના માનમાં દર વર્ષે અષાઢ શુક્લ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમાનો દિવસ બનાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે વેદ વ્યાસજીએ ભાગવત પુરાણનું જ્ઞાન પણ આપ્યું હતું. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.