મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત 584 ગૌશાળા-પાંજરાપોળને પશુ નિભાવ સહાય
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુ નિભાવ સહાયની ચૂકવણી કરવા માટે ગાંધીનગર ખાતે રાજ્ય સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં વર્ષ 2024-25ના પ્રથમ તબક્કામાં એટલે કે, એપ્રિલ-2024 થી જૂન-2024 માટે રાજ્યની કુલ 584 ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી આ ગૌશાળા અને પાંજરાપોળના આશરે 2.61 લાખથી વધુ પશુઓ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 71.26 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
આટલું જ નહિ, વર્ષ 2024-25ના બીજા તબક્કા માટે એટલે કે, જુલાઈ-2024 થી સપ્ટેમ્બર-2024 માટે સહાય મેળવવા ઈચ્છુક ગૌશાળા અને પાંજરાપોળ ઓનલાઇન અરજી કરી શકે તેવા આશય સાથે આગામી તા. ૧૫ ઓક્ટોબર સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી રાજ્યની તમામ ગૌશાળા અને પાંજરાપોળને પશુઓના નિભાવ માટેની સહાય મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા પશુપાલન વિભાગ હેઠળના ગૌસેવા આયોગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શક નેતૃત્વ તેમજ પશુપાલન મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં રૂ. 500 કરોડના પ્રાવધાન સાથે ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ શરુ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળા કે પાંજરાપોળ દ્વારા ગાય અને ભેંસ વર્ગના પશુઓનો નિભાવ કરવામાં આવતો હોય, તેવી સેવાભાવી સંસ્થાઓને ગૌવંશના પોષણ અને નિભાવ માટે દૈનિક પશુદીઠ રૂ. 30 લેખે આર્થિક સહાય આપવામાં આવે છે.
આ પણ વાંચો : ગાયને મળ્યો રાજ્યમાતાનો દરજ્જો, આ રાજ્યની સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય…
આ યોજના અંતર્ગત રાજ્ય સરકારે વર્ષ 2024-25ના પ્રથમ તબક્કામાં રૂ. 71.26કરોડની સહાયનું DBTના માધ્યમથી સીધું સેવાભાવી સંસ્થાઓના ખાતામાં ચૂકવણું કર્યું છે. જેના પરિણામે રાજ્યની તમામ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય આપી, આર્થિક રીતે મદદરૂપ થવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ ખરા અર્થમાં ચરિતાર્થ થઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત પશુપાલન વિભાગના સચિવશ્રી, પશુપાલન ખાતાના નિયામક, પશુપાલન વિભાગના નાયબ સચિવ, નાયબ સચિવ-નાણા સલાહકાર, પશુપાલન તેમજ ગૌસેવા આયોગના સભ્ય સચિવશ્રી સહિતના સભ્યો ધરાવતી એક રાજ્ય સમિતિ રચવામાં આવી છે. જે સમિતિની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.