માંડલમાં મોતિયા ઓપરેશન ઘટના: તપાસ રિપોર્ટ સોંપવા હાઇ કોર્ટનો આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: જિલ્લાના માંડલમાં એક ટ્રસ્ટની હૉસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ ૧૭ લોકોએ દૃષ્ટિ ગુમાવતાં આ કેસમાં હવે હાઈ કોર્ટે સુઓમોટો પિટિશન દાખલ કરી છે. હાઇ કોર્ટે હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય એસપીને નોટિસ પાઠવી છે.
૭મી ફેબ્રુઆરીએ આ સુઓમોટો ચીફ જજની કોર્ટમાં રજૂ થશે. હાઇ કોર્ટે પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા સરકારને આદેશ કર્યો છે.
કોર્ટે અવલોકન કરતાં કહ્યું હતું કે, આઈ ડ્રોપ હલકી ગુણવત્તાના હતા કે ફેસિલિટીમાં ખામી હતી કે પછી મેડિકલ સાધનોની સાર સંભાળ નહોતી રખાઈ? આ કિસ્સામાં હજુ સુધી કોઈ પણ મેડિકલ કર્મી સામે પોલીસ ફરિયાદ થઈ નથી. પીડિતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે.
ગુજરાત હાઇ કોર્ટની ડિવિઝન બેન્ચમાં એક સુઓમોટો પિટિશન દાખલ થઇ છે.
ન્યૂઝ પેપરની અંદર એક આર્ટિકલ આવ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે, માંડલની એક ટ્રસ્ટની હૉસ્પિટલમાં જ્યારે પેશન્ટના ઓપરેશન કરવામાં આવ્યા તેમાં ઘણા બધા લોકોની આંખની દૃષ્ટિ ગઈ એવી સ્થિતિ સર્જાઇ છે.
આથી કોર્ટે આમાં સંજ્ઞાન લીધું કે, ખરેખર શું પરિસ્થિતિ થઈ છે? શું ઇન્સ્ટ્રુમેન્ટમાં ખામી હતી? દવા હલકી ગુણવત્તાની હતી કે ક્યાંય સેવામાં ખામી હતી? આના માટેના હેલ્થ ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યુટિવને અને જે-તે એરિયાના એસપીને એક નોટિસ ફટકારીને પ્રાથમિક રિપોર્ટ માગવામાં આવ્યો છે. શેના કારણે આ પરિસ્થિતિ સર્જાઇ છે તેવું રિપોર્ટમાં માગવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આવેલ માંડલના રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં ૧૦મી જાન્યુઆરીના રોજ કુલ ૨૯ જેટલા મોતિયાના દર્દીઓના આંખનાં ઓપરેશન કરવામાં આવ્યાં હતાં. જેમાંથી ઓપરેશન બાદ ૧૭ જેટલા લોકોને આંખની દૃષ્ટિ ઓછી થતાં પાંચ લોકો અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત તપાસમાં અન્ય ૧૨ દર્દીઓને આંખની દૃષ્ટિમાં ગંભીર સમસ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જે તમામને દર્દીઓને ગઈકાલે મોડી સાંજે અમદાવાદ સિવિલ હોસ્પિટલના આંખ વિભાગમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તમામ દર્દીઓની સારવાર ચાલી રહી છે અને આગળની તપાસ બાદ દર્દીઓની સમસ્યાનું કારણ જાણી શકાશે.