આપણું ગુજરાત

ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે કેશલેસ આરોગ્ય સુરક્ષા યોજના શરૂ

ગાંધીનગર: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના તમામ અધિકારી-કર્મચારીઓ અને પેન્શનર્સ માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના” શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ યોજના હેઠળ લાભાર્થીઓને કેશલેસ હેલ્થ બેનીફિટ પેકેજ આપવામાં આવશે.

પરિવાર દીઠ વાર્ષિક રૂ. 10 લાખ સુધીની કેશલેસ સારવાર

તેમણે વિગતો આપતા કહ્યું હતું કે આ યોજના રાજ્યમાં હાલ અમલી PMJAY-મા યોજનાની જેમ જ તમામ કર્મયોગીઓને આવરી લેશે. રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ અને પેન્શનર્સને “G” સીરીઝનું AB-PMJAY-MAA કાર્ડ આપવામાં આવશે, જેની કાર્યવાહી PMJAYની નોડલ એજન્સી SHA (STATE HEALTH AGENCY) દ્વારા કરવામાં આવશે. આ કાર્ડ દ્વારા સરકારી, સરકારી સમકક્ષ અને PMJAY હેઠળની હોસ્પિટલોમાં નિયત કરેલી સારવાર માટે પરિવાર દીઠ વાર્ષિક રૂ. 10 લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ થશે. જો કે, આ યોજનામાં બહારના દર્દી તરીકેની (OPD) સારવારનો સમાવેશ કરવામાં આવ્યો નથી અને હાલ મળતું માસિક મેડિકલ એલાઉન્સ (રૂ.1000) યથાવત રહેશે.

આ પણ વાંચો: ગુજરાતમાં નબળા વર્ગના લોકો માટે સરકારનો મોટો નિર્ણય: કાનૂની સહાયની આવક મર્યાદા વધારી

રૂ. 10 લાખથી વધુના ખર્ચ અને AB-PMJAY-MAAમાં ઉપલબ્ધ ન હોય તેવી સારવાર માટે તેમજ જે હોસ્પિટલો PMJAYમાં સામેલ નથી, તેવા સંજોગોમાં ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, 2015 અનુસાર હાલની પદ્ધતિ મુજબ મેડિકલ રિએમ્બર્સમેન્ટ મળવાપાત્ર રહેશે. હાલમાં PMJAY-મા યોજના હેઠળ રાજ્યમાં કુલ 2658 હોસ્પિટલો જોડાયેલી છે, જેમાં 2471 પ્રકારની નિયત સારવાર આવરી લેવામાં આવી છે.

કોને મળશે આ યોજનાનો લાભ?

આ યોજનાનો લાભ રાજ્યમાં ફરજ બજાવતા ALL INDIA SERVICES (AIS)ના અધિકારીઓ અને પેન્શનરો, રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો અને તેમના આશ્રિત કુટુંબીજનો તેમજ જે કર્મચારીઓને હાલની પદ્ધતિ મુજબ મેડિકલ રિએમ્બર્સમેન્ટ મળે છે તે તમામને મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી અંદાજે 4.20 લાખ કર્મચારીઓ અને 2.20 લાખ પેન્શનર્સ મળી કુલ 6.40 લાખ કર્મયોગીઓને આરોગ્ય સેવાનો લાભ મળશે.

રાજ્ય સરકાર પર અંદાજે રૂ. 303.3 કરોડનું પ્રીમિયમ ભારણ

ફિક્સ-પે કર્મચારીઓને હાલ કર્મયોગી કાર્ડ હેઠળ લાભ મળી રહ્યો છે અને 70 વર્ષથી વધુ ઉંમરના પેન્શનર્સને વયવંદના યોજનામાં લાભ મળતો હોવાથી તેઓને આ યોજનાનો લાભ મળશે નહીં. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર પર અંદાજે રૂ. 303.3 કરોડનું પ્રીમિયમ ભારણ આવશે. સરકાર આ કાર્ડ હેઠળ સારવાર માટે વાર્ષિક પ્રતિ કુટુંબ દીઠ રૂ. 3708નું પ્રીમિયમ ચૂકવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button