Chandipura virusનો સૌરાષ્ટ્રમાં પગપેસારો, રાજકોટમાં ત્રણનાં શંકાસ્પદ મોત, જામનગરમાં પણ કેસ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે અઠવાડિયાથી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે અને સાથે કમનસીબે મૃત્યુ પણ વધી રહ્યા છે.
હિંમતનગર-સાબરકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળેલો ચાંદીપુરા વાયરસ સૌરાષ્ટ્રમાં પેસી ગયો છે. આજે રાજકોટ જિલ્લામાં ત્રણ અને પંચમહાલ જિલ્લામાં એક બાળકનું મોત થતા રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 31 થઈ છે અને મૃત્યુઆંક વધીને 19 થયો છે. અત્યાર સુધી વાયરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળે છે, પરંતુ સારવાર અર્થે બાળકોને શહેરોમાં લાવવામાં આવે છે, તેથી મોત શહેરમાં નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર જામનગરમાં પણ શંકાસ્પદ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે, તેમ જ કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ હૉસ્પિટલની મુલાકાત લીધી હોવાના સમાચાર મળ્યા છે.
રાજકોટ જિલ્લામાં પાંચ બાળકોના મોત
રાજકોટમાં જ પાંચ શંકાસ્પદ દર્દીના મોત થઈ ગયા છે. જેમાં મોરબીના રાશિ સાહરીયાને 12મી જુલાઈએ રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. જેનું 14મી જુલાઈએ મોત થઈ ગયું છે. પડધરીના હડમતીયાનો પ્રદીપ રાઠોડ (ઉ.વ.2)ને 9મી જુલાઈએ દાખલ કરવામાં આવ્યો હતો અને તેનું 15મી જુલાઈએ મોત થઈ ગયું છે. જેતપુરના પેઢીયા ગામનો કાળુ ચંપુલાલ (ઉ.વ.8)ને 15મી જુલાઈએ દાખલ કરવામાં આવ્યો અને તેનું એ જ દિવસે મોત થઈ ગયું હતું. તેમજ મધ્યપ્રદેશના સુજાકુમાર ધનક (ઉ.વ.)ને 16 જુલાઈ દાખલ કરવામાં આવ્યો અને તેનું એ જ દિવસે મોત થઈ ગયું હતું. જ્યારે રિતિક મુખીયા (ઉ.વ.3)ને 14મી જુલાઈ 2024ના રોજ દાખલ થયો હતો અને 17મી જુલાઈના રોજ તેનું મોત થઈ ગયું હતું.
6ઠ્ઠી જુલાઈએ મોતને ભેટેલી બાળકીનો આજે ખુલાસો
ગત 6ઠ્ઠી જુલાઈના રોજ પંચમહાલના ઘોઘંબાના લાલપુરી ગામે ચાર વર્ષીય બાળકી મોતને ભેટી હતી. આ બાળકીનું ચાંદીપુરા વાઇરસને લઈને મોત થયું હતું. ત્યારે આજે જિલ્લા આરોગ્યની ટીમ તેમજ ડીડીઓ સહિતના આરોગ્યના કર્મચારીઓ કોટડા ગામે આવી પહોંચ્યા હતા. અને મકાનમાં જરૂરી દવાનો છંટકાવ કર્યો હતો. ત્યારબાદ પંચમહાલ જિલ્લાના ડીડીઓ દ્વારા તમામ ઘરની મુલાકાત લઈ લીધી હતી.
વાયરસ બાળકોને સંક્રમિત કરી શકે
ચાંદીપુરા વાઈરસ મુખ્ય રીતે નવ મહિનાથી 14 વર્ષ સુધીનાં બાળકોને પ્રભાવિત કરે છે. માખી કે મચ્છરના કરડવાથી સલાઇવાથી બ્લડમાં વાયરસ પહોંચતાં એનું સંક્રમણ ફેલાય છે.
ગભરાશો નહીં તમારા બાળકને ચાંદીપુરા વાયરસથી બચાવવા આ વીડિયો જૂઓ…