દર અઠવાડિયે ડ્રાઈવિંગમાં બેદરકારીને લીધે અમદાવાદમાં નવ જણના લેવાઈ છે જીવ

તમે ઘરે તમારા પરિવારના સભ્યની રાહ જોઈને બેઠા હોવ અને અચાનકથી અજાણ્યા નંબરથી અમદાવાદ પોલીસ, ટ્રાફિક પોલીસ અથવા કોઈ અજાણ્યા માણસનો ફોન આવે કે તમારા પરિવારનો સભ્ય રોડ એક્સિડન્ટમાં માર્યો ગયો છે ત્યારે તમારી કેવી હાલત થાય. કલ્પના કરીને કાંપી જવાય તેવી સ્થિતિમાંથી દર અઠવાડિયે સરેરાશ નવ પરિવારો પસાર થાય છે અને તેનું મહત્વનું કારણ બેજવાબદારીભર્યું ડ્રાઈવિંગ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો (એનસીઆરબી)ના આંકડા અનુસાર અમદાવાદમાં રેશ ડ્રાઈવિંગને લીધે મોત થવાની ઘટના લગભગ બમણી થઈ ગઈ છે. 50 લાખ કરતા વધારે વસ્તી ધરાવતા શહેરોની વાત આવે ત્યારે અમદાવાદ દેશમાં બીજા નંબરે છે, તેમ અહેવાલ જણાવે છે. શહેરમાં વર્ષ 2021માં 403 મોત થાય છે, જેમાં સીધો 21 ટકાનો વધારો નોંધાયો છે. પહેલા નંબરે હૈદરાબાદ છે, જેમાં 26 ટકાનો વધારો નોંધાયો છે. અમદાવાદની વાત કરીએ તો પાંચ વર્ષમાં આ ટકાવારીમાં 41 ટકાનો વધારો નોંધાયો છે. બેદરકારીને લીધે થતાં કુલ અકસ્માતમાં થયેલા મોતમાંથી 10 ટકા હીટ એન્ડ રનના કેસ હોય છે.
અમદાવાદમાં વિસ્મય શાહથી માંડી તથ્ય પટેલના હીટ એન્ડ રનના અકસ્માતના કિસ્સા ચર્ચમાં રહ્યા છે. થોડા મહિનાઓ પહેલા તથ્ય પટેલ નામના નબીરાએ એક સાથે નવ જણને કચડી નાખ્યા હતા અને આ ઘટનાએ ફરી બેફામ ચાલતા વાહનો અને ટ્રાફિક નિયમોના સરેઆમ ઉલ્લંઘનની સાબિતી આપી હતી.