રક્ષિત ચાડવા રખાલમાંથી વન્ય પ્રાણીના માંસ સાથે શિકારી ઝડપાયો
ભુજ: તાજેતરમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે ભુજ તાલુકાના સામત્રા ગામ પાસેની ચાડવા રખાલમાં (રાજાશાહી યુગનું અનામત વન) વિચરનારા હેણોતરા એટલે કે, વિશિષ્ટ જાતની જંગલી બિલાડીના સંરક્ષણ અને સંવર્ધનનું કેન્દ્ર શરૂ કરવાની જાહેરાત કરી હતી અને આ રખાલને કચ્છના રાજ પરિવારે વન વિભાગને સોંપી હતી, ત્યારે આ રક્ષિત વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા વન વિભાગના અધિકારીઓએ વન્ય પ્રાણીના આઠ કિલો માંસ સાથે એક મોટરસાઇકલ પર જઈ રહેલા શિકારીને ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર ચાડવા રખાલમાં પશ્ચિમ વન વિભાગનો સ્ટાફ ગત રાત્રે પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે મોટરસાઇકલ પર જઈ રહેલા શંકાસ્પદ શખ્સને અટકાવીને તેની પૂછપરછ કરતાં પોતાનું નામ મામદ સમા હોવાનું જણાવ્યું હતું અને તે સાગવાંઢનો રહેવાસી હોવાનઔ જાણવા મળ્યું હતું. તેની પાસેથી વન્ય પ્રાણીનું અંદાજિત આઠેક કિલો માંસ મળી આવતાં આરોપી મામદની અટકાયત કરી લેવામાં આવી હતી.
આ શિકારીને પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ સંરક્ષકના માર્ગદર્શન હેઠળ ભુજની ચીફ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આ રક્ષિત વિસ્તારમાં લાંબા સમયથી થઇ રહેલી શિકારી પ્રવૃત્તિમાં કેટલા શખ્સ સામેલ છે તે સહિતની વિગતો મેળવાશે તેવું જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છની પ્રાકૃતિક ધરોહર સમા ચાડવા રખાલ ખાતે દુર્લભ એવો હેણોતરો ઉપરાંત દિપડા, મગર, ચિંકારા, ઘોરખોદિયું, શિયાળ જેવા 28 જેટલા સસ્તન, 28 સરિસૃપ અને 242 જેટલાં વિવિધ પક્ષીઓની પ્રજાતિ મળી કુલ 296 જેટલી પંખી અને પ્રાણીઓની વૈવિધ્યતા જોવા મળે છે. સજીવ સૃષ્ટિ સાથે 243 જેટલી જુદી જુદી વનસ્પતિનું પણ અહીં વૈવિધ્ય જોવા મળે છે. સંશોધકો માટે ખાણ સમાન આ વિસ્તાર ઈકો ટુરિઝમ એક્ટિવીટીની પણ ભરપૂર સંભાવના ધરાવે છે તેવામાં અહીં થઇ રહેલી શિકારી પ્રવૃત્તિને અટકાવવા વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.