સુરતમાં રેસ લગાવવા જતાં કાર પલટી, વિદ્યાર્થિનીનું મૃત્યુ
સુરતઃ રાજ્યના રોડ રસ્તા પર કાર રેસ લગાવીને સ્ટંટ કરવાની ઘેલછા યુવાનોમાં વધતી જાય છે. આ દરમિયાન સુરતથી માતા-પિતાની આંખ ઉઘાડતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે મુજબ શહેરના ખજોદ રોડ પર બે દિવસ પહેલા સાંજે કાર પલટી ખાઇ જતાં સર્જાયેલા અકસ્માતમાં ઇજા પામેલા ચાર મિત્રો પૈકી ગંભીર ઈજા પામેલી વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હતું.
શું છે સમગ્ર મામલો
શહેરના વેસુ વિસ્તારમાં રહેતો એક 18 વર્ષીય વિદ્યાર્થી તેના મિત્રો સાથે કાર લઇને ફરવા ગયો હતો. ડાયમંડ બુર્સ રોડ પર પૂરપાટ ઝડપે હંકારતી વખતે કાર પલટી મારી ગઈ હતી. જેમાં તેમની સાથે રહેલી વિદ્યાર્થિનીને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તેને તપાસીને મૃત જાહેર કરી હતી.
પોલીસે આવીને કાર્યવાહી હાથ ધરી હતી તેમજ મૃતદહેને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. કાર પલટી જતાં અન્ય બે મિત્રોને સામાન્ય ઈજા પહોંચી હતી. મૃતક વિદ્યાર્થિની ઉધનાની એક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. જ્યારે અકસ્માત સર્જનારો રાહુલ ચૌધરી ભગવાન મહાવીર કોલેજમાં અભ્યાસ કરે છે, પોલીસે કાર ચાલક રાહુલ ચૌધરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પુત્રીના મોતના સમાચાર સાંભળી પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. માતાના હૈયાફાટ રૂદનથી માહોલ ગમગીન થઈ ગયો હતો.
Also read: સુરતમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટની ઘટના; 6 લોકો દાઝ્યા
બે દિવસ પહેલા રાજકોટ-જામનગર હાઇવે પર બાઇક ચલાવી સ્ટંટ કરતા અને રેસિંગ કરનારાઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટ ગ્રામ્ય એલસીબી અને મેટોડા પોલીસ તેમજ પડધરી પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા રાજકોટ અને જામનગરના 24 જેટલા સ્ટંટબાજોની ધરપકડ કરી હતી. તેમજ 10 ધૂમ બાઇક અને બે કાર કબ્જે કરી હતી. હાઈવે પર ફિલ્મી સ્ટંટ કરીને અન્ય લોકોની જીંદગી જોખમમાં મુકનાર આ તમામ સામે પડધરી પોલીસે કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે હાઇવેના ખુલ્લા રોડ રસ્તા પર બાઇક, ફોર વ્હીલ લઇને સ્ટંટ કરવાનો તેમજ ઓવર સ્પીડમાં વાહન ચલાવવાનો ક્રેઝ યુવાનોમાં વધતો જાય છે. જેના કારણે ક્યારેક ગંભીર અકસ્માત સર્જાય છે.